કાલોલ તાલુકાના ભાદરોલી બુઝર્ગ ગામે પતિ, પત્ની ઔર વો જેવા પારિવારિક આડાસંબંધના મામલાનો રક્તરંજિત અંજામ આવ્યો હતો. કૌટુંબિક મોટાભાઈની પત્ની સાથે આડાસંબંધ ધરાવતાં પિતરાઈ ભાઈએ મોટાભાઈનું ઢીમ ઢાળીને બીજા દિવસે લાશના હાથ પગ કાપી, ચાર ટુકડા કરી તળાવ પાસેના તુટેલા ચેકડેમ નજીક ખાડો ખોદી જમીનમાં મીઠું નાંખી લાશને દાટી દઈ, હત્યારા ભાઈ - ભાભી બન્ને ફરવા જતાં રહ્યાં હતાં. પાંચ દિવસ સુધી મરનાર ભાઈ લાપતા જણાતા પરિવારજનોએ શંકા દર્શાવી પોલીસ ફરિયાદ નોંધાવતાં પોલીસની તપાસમાં છ દિવસ બાદ સનસનાટીભર્યા ખુની ખેલનો પર્દાફાશ થયો હતો.


કાલોલ પોલીસ મથકમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર કાલોલ તાલુકાના ભાદરોલી બુઝર્ગ ગામે રહેતાં રાજેશભાઈ નરવતસિંહ સોલંકી (ઉ.વ.35) પત્ની શિલ્પાબેન સાથેના અગિયાર વર્ષના સંસારમાં પાંચ વર્ષના પુત્ર સાથે ગુજરાન ચલાવતા હતા. તેઓ જે કંપનીમાં નોકરી કરતાં હતાં, ત્યાં પાંચ દિવસથી તેઓ ગેરહાજર જણાતા કંપનીના કોન્ટ્રાકટરે રાજેશભાઈના ઘરે માણસ મોકલીને તેમના ગેરહાજર હોવા બાબતે તપાસ કરી હતી. જે બાદ તેમના નાનાભાઈએ રાજેશભાઈ જ્યાં રહેતાં હતાં, તે ખેતરવાળા ઘરે તપાસ કરતાં તેઓ ગુમ હોવાનું જણાતા, સગા સંબંધીઓને ત્યાં તપાસ કરી પરંતુ ક્યાંય પત્તો લાગ્યો નહતો. જોકે ખેતરમાં મોટાભાઈ સાથે તેમની પત્ની શિલ્પા અને તેમની સાથે રહેતો પિતરાઈ ભાઈ ધર્મેન્દ્ર સોલંકી પણ ત્રણ દિવસથી જોવા નહી મળતાં, નાનાભાઈએ રાજેશ સોલંકી ગૂમ થયા હોવાની કાલોલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

જે ફરિયાદમાં તેણે પોતાની ભાભી શિલ્પાબેન અને પિતરાઈ ધર્મેન્દ્ર સોલંકી વચ્ચે આડાસંબંધો હોવાની શંકા વ્યક્ત કરી હતી. તા.9મીએ પરત ઘરે આવેલા ધર્મેન્દ્રને પોલીસે પોલીસ મથકે બોલાવી ઘનિષ્ઠ પુછપરછ કરતાં તે અંતે ભાંગી પડયો હતો. તેણે પોતાને ભાભી શિલ્પાબેન સાથે પ્રેમ સંબંધ હોવાની અને રાજેશભાઈ અવાર નવાર ભાભી શિલ્પા સાથે ઝઘડો કરતો હોવાથી શિલ્પા ધર્મેન્દ્રને પતિને મારી નાખવા માટે અવારનવાર દબાણ કરતી હોવાનું જણાવ્યું હતું. જે બાદ ગત તા.04ના રોજ રાત્રે ધર્મેન્દ્ર રાજેશભાઈને ગામના મોટા તળાવ પાસેના ખેતરમાં લઈ જઈ માથામાં ઈંટ મારીને બેભાન કરી દીધા બાદ તેમને ઢસડીને નજીકના તૂટેલા ચેકડેમ પાસે લઈ જઈ તેના પથ્થર પર ઉપરાછાપરી માથુ પછાડીને હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી. પોલીસે આરોપી ધર્મેન્દ્ર અર્જુન સોલંકી અને શિલ્પા રાજેશભાઈ સોલંકીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: