કાલોલ નગરના હાઈવે સ્થિત ગધેડી ફ્ળિયાના નાળા સ્થિત ખુલ્લી ગટર અને ચેમ્બરમાં વાહનચાલકો પટકાયા પછી પણ કામગીરી અધુરી છોડી દેવાતા નગરજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
કાલોલ શહેરમાંથી પસાર થતા હાલોલ - શામળાજી ટોલ હાઈવે સ્થિત ગધેડી ફ્ળીયાના નાળા પરની ખુલ્લી ગટરની ચેમ્બર તેમજ ગંદકીનો જમાવડો પાછલા ઘણા વર્ષોથી જોવા મળી રહ્યો છે. અગાઉ આ ખુલ્લી ચેમ્બરમાં એક ગાય પટકાતાં પાલિકાતંત્ર દ્વારા તત્કાલીન સમયે ત્યાં સેફ્ટીના ધોરણે લોખંડી જાળી બેસાડી હતી, પરંતુ પાછલા બે-એક વર્ષથી લોખંડી જાળી ગાયબ થઈ જતાં, ખુલ્લી ચેમ્બર અકસ્માતનું જોખમ વધારી રહી છે. પાછલા સાત આઠ મહિનામાં આ સ્થળે બે બાઈક ચાલકો અકસ્માતની રાહે ચેમ્બરમાં પટકાઈને નાની મોટી ઈજાઓ ભોગવી ચૂક્યા છે. જે બાદ સ્થાનિક લોકોના જન આક્રોશને પગલે બીજા દિવસે પાલિકાના ત્રણ કોર્પોરેટરોએ ઘટના સ્થળે ઉપસ્થિત રહીને ગંદકી હટાવીને ગટર લાઈન અને તૂટેલી ચેમ્બરના સમારકામની કામગીરી હાથ ધરી હતી. જોકે તે સમયે પાલિકાએ ગધેડી ફ્ળિયાના રોડની એક સાઇડને જોડતી કોર્નર લાઈનનું સમારકામ કર્યા પછી બીજા ભાગના નાળાનું કામ અધૂરું છોડી દીધું હતું. જે છ મહિનાથી એ જ હાલતમાં જોવા મળે છે. તાજેતરમાં વરસાદી સિઝનમાં ગટરના પાણી ખુલ્લા નાળા અને ચેમ્બરમાંથી ઉભરાતા ગંદકીની દુર્ગંધથી આસપાસના વેપારીઓ અને લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે.
