શહેરા તાલુકામાં કુદરતી સંપતિની સરેઆમ લૂંટ ચલાવવામાં આવી રહી છે. તાલુકાના વિવિધ વિસ્તારોમાં હાલ સફેદ રેતીનો કાળો કારોબાર કોઈ પણ જાતના ડર વગર ધમધમી રહ્યો છે. આ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અંગે જવાબદાર ખાણ ખનીજ વિભાગ દ્વારા આંખ આડા કાન કરવામાં આવી રહ્યા હોવાના આક્ષેપ થઈ રહ્યા છે. ત્યારે આ કાળા કારોબાર સામે કડક પગલાં ભરવા લોકચર્ચાઓએ ભારે જોર પકડયું છે.

શહેરા તાલુકાના મુખ્ય રસ્તાઓ ઉપરથી દિવસ-રાત ઓવરલોડ રેતી ભરેલી ગાડીઓ અને ડમ્પરો બેફમ પસાર થઈ રહ્યા છે. ક્ષમતા કરતાં વધુ માત્રામાં રેતી ભરીને દોડતા આ વાહનોના કારણે પાકા રસ્તાઓ બિસ્માર બની રહ્યા છે, તો બીજી તરફ્ રસ્તા પરથી રેતી ઉડવાના કારણે પાછળ આવતા વાહનચાલકો માટે અકસ્માતનું જોખમ સતત તોળાતું રહે છે. ઓવરલોડ ગાડીઓની અવિરત અવરજવરને લીધે નાના વાહનચાલકો અને રાહદારીઓમાં ભારે ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. નિયમ મુજબ ખનન પ્રવૃત્તિ કે વહન માટે રોયલ્ટી પાસ અનિવાર્ય હોવા છતાં રેતી માફ્યિાઓ દ્વારા કાયદાના લીરેલીરા ઉડાડીને ઓવરલોડ રેતી ભરી વહન કરવામાં આવે છે. ડમ્પર અને ટ્રકોની પાછળથી નીતરતું પાણી અને રસ્તા પર વેરાતી રેતી તેની સાક્ષી પૂરે છે, છતાં સંબંધિત તંત્ર દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરાતી નથી.જેને કારણે સ્થાનિકોમાં તંત્રની કામગીરી સામે અનેક આશંકાઓ અને સવાલો ઉભા થઈ રહ્યા છે.