નવી દિલ્હી ખાતે યોજાયેલા ભારતીય કૃષિ અનુસંધાન પરિષદમાં દેશના કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણની ઉપસ્થિતિમાં વેજલપુર સ્થિત કેન્દ્રીય બાગાયત કેન્દ્ર દ્વારા સંશોધિત એવી વિશિષ્ટ આવૃત્તિ સમાન ગોમાયશી બિલ્વફ્ળની નોંધ લેવાઈ અને દેશભરના ખેડૂતો માટે પ્રદર્શિત કરવામાં આવી હોવાની સિદ્ધિ મેળવી હતી.
પ્રાપ્ત વિગતો અનુસાર કાલોલના વેજલપુર સ્થિત કેન્દ્રીય બાગાયત કેન્દ્રના વૈજ્ઞાનિકો દ્વારા સંશોધિત ગોમાયશી બિલ્વફ્ળને તાજેતરમાં દિલ્હી ખાતે યોજાયેલા ભારતીય કૃષિ અનુસંધાન પરિષદના 98માં સ્થાપના દિવસે સત્તાવાર માન્યતા આપીને દેશભરના ખેડૂતો માટે આ વિશિષ્ટ ફ્ળના ગુણધર્મો, ઉત્પાદન અને માર્કેટ અંગેના નવા આયામ અંગે પ્રદર્શિત કરાયું હતું. વેજલપુર સ્થિત કેન્દ્રીય શુષ્ક બાગાયતી સંસ્થાનના તાજેતરના હેડ ડૉ.એ.કે સિંઘ દ્વારા વર્ષ 2010માં વિકસાવવામાં આવેલ આ વિશિષ્ટ બિલ્વફ્ળ (બિલા)ને કાલોલ તાલુકાની ગોમા નદીના નામ પર ગોમા યશી તરીકે વિકસિત કરીને આ પ્રજાતિને તાજેતરમાં નવી દિલ્હી ખાતે દેશના કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણની ઉપસ્થિતિમાં યોજાયેલા ભારતીય કૃષિ અનુસંધાન પરિષદના સ્થાપના દિવસે સત્તાવાર રીતે રજૂ કરી ખેડૂતો માટે પ્રદર્શિત કરાઈ હતી. આ બિલ્વફ્ળ તેના વિશિષ્ટ ગુણધર્મોને કારણે ગુજરાતના લોકો અને ખેડૂતો આ જાતની બાગાયતી ખેતી તરફ્ આકર્ષાઈ રહ્યા છે. આ જાતને અગાઉ ગુજરાત રાજ્ય પ્રજાતિ વિમોચન સમિતિ તેમજ કેન્દ્રીય પ્રજાતિ વિમોચન સમિતિ દ્વારા મંજૂરી આપવામાં આવી છે. જે હવે દેશભરમાં જાણીતું થતાં દેશભરના ખેડૂતો કલમી રોપાઓ લઈ જઈ પોતાના ખેતરોમાં તેનું વાવેતર કરી રહ્યા છે. ડૉ. એ.કે સિંઘના જણાવ્યા અનુસાર આ વિશિષ્ટ બિલ્વફ્ળની પ્રજાતિ ઓછા વરસાદ કે અર્ધ-શુષ્ક વિસ્તારોમાં વાવી શકાય છે, તેના છોડ નાના કદના રહે છે, ફ્ળની છાલ પાતળી હોય છે અને તેનો સ્વાદ તથા સુગંધ મનમોહક હોય છે. જ્યારે બિલ્વફ્ળનો રસ કે સરબત ગરમી સામે અમૃત સમાન ગુણકારી છે.
