શહેરા નગરપાલિકા વિસ્તારમાં આવેલ અણીયાદ ચોકડી અને આસપાસના વિસ્તારોમાં પાલિકા દ્વારા કાર્યરત ડોર-ટુ-ડોર કચરા સંગ્રહની કામગીરી હાલ વિવાદે ચડી છે. તંત્ર દ્વારા આ વિસ્તારમાં સુકો અને ભીનો કચરો એકત્ર કરવા માટે નાની કચરા ગાડીઓને બદલે ઊંચા ટ્રેક્ટર મોકલતાં નાગરિકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

શહેરા નગરના અણીયાદ ચોકડી વિસ્તારમાં પાલિકાની ડોર-ટુ-ડોર કચરા સંગ્રહની કામગીરીમાં ખાસ ગાડીઓને બદલે ટ્રેક્ટર મોકલાતું હોવાથી રોજ રહીશોને હાલાકી ભોગવવી પડે છે. ટ્રેક્ટરની ટ્રોલીની ઊંચાઈ વધારે હોવાથી ખાસ કરીને મહિલાઓને કચરો નાખતી વખતે ભારે તકલીફ્ પડે છે. કચરો નાખવા માટે ઊંચા થવું પડતું હોવાથી કેટલીકવાર મહિલાઓ પર જ કચરો પાછો પડતો હોવાના બનાવો બને છે. જેના કારણે આરોગ્ય અને સ્વચ્છતા સામે પણ પ્રશ્નો ઊભા થયા છે. પાલિકા પાસે સુકો અને ભીનો કચરો અલગ-અલગ લેવા માટેની આધુનિક ગાડીઓ ઉપલબ્ધ હોવા છતાં, ટ્રેક્ટરનો ઉપયોગ કરવા સામે અનેક સવાલો ખડા થયા છે. નિયમ મુજબ સુકો અને ભીનો કચરો અલગ-અલગ એકત્ર કરવાનો હોય છે, પરંતુ ટ્રેક્ટરમાં તમામ કચરો એકસાથે ઠાલવી દેવાતો હોવાથી કચરાના નિકાલની યોગ્ય પદ્ધતિનો પણ ખુલ્લેઆમ ભંગ થઈ રહ્યો છે. ખુલ્લા ટ્રેક્ટરમાં કચરો લઈ જતી વખતે રસ્તા પર પણ ગંદકી થાય છે, ચોમાસામાં રોગચાળો ફટી નીકળવાનો ભય સતત તોળાતો રહે છે. જેથી સ્થાનિકોએ ટ્રેક્ટર બંધ કરી કચરા ગાડી શરૂ કરવાની માંગ કરી છે.