શહેરા નગરના કેશવ ગ્રાઉન્ડ પાસે આવેલી સોસાયટીના મુખ્ય અવરજવરના રસ્તા પર ભારે કાદવ-કીચડનું સામ્રાજ્ય છવાઈ જતાં સ્થાનિક રહીશો અને વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. નગરપાલિકા દ્વારા તાત્કાલિક ધોરણે આ કાચો રસ્તાને સીસી રોડ મંજૂર કરી નવું નિર્માણ કરવામાં આવે તેવી સ્થાનિક રહીશોની માંગ ઉઠી છે.
શહેરા નગરના કેશવ ગ્રાઉન્ડ નજીક આવેલી રહેણાંક સોસાયટીઓમાં જવા-આવવા માટેનો આ એકમાત્ર મુખ્ય રસ્તો છે. છેલ્લા ઘણા સમયથી આ રસ્તો કાચો અને બિસ્માર હાલતમાં છે. વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાથી પાણી રસ્તા પર ભરાઈ રહેતાં માર્ગ પર કાદવ-કીચડનું સામ્રાજ્ય સ્થપાઈ ગયું છે.જ્યારે બાઇક કે અન્ય વાહનો ચલાવવાં અત્યંત જોખમી બન્યાં છે. ટુ વ્હીલર વાહન ચાલકોને તો પોતાનું વાહન સ્લીપ ખાઈ જવાનો ડર પણ રહેતો હોય છે.કાદવ કિચડની સાથે ખાડા પાણી ભરાઈ રહેતા હોવાથી માખી-મચ્છરોનો ભારે ઉપદ્રવ વધી ગયો છે, જેનાથી ડેન્ગ્યુ, મલેરિયા અને ચીકનગુનિયા જેવા રોગચાળો ફટી નીકળવાનો ભય સ્થાનિકોમાં સેવાઈ રહ્યો છે. નગરપાલિકા દ્વારા આ કાદવ-કીચડ તાત્કાલિક સાફ્ કરવામાં આવે અને જંતુનાશક દવાઓનો છંટકાવ કરવામાં આવે તેવી પણ પ્રબળ માંગ પણ ઉઠી છે. સ્થાનિકોનુ કહેવું છે કે, નગરપાલિકા દ્વારા અન્ય વિસ્તારોમાં વિકાસકામો કરવામાં આવી રહ્યા છે ત્યારે આ રહીશ વિસ્તાર પ્રત્યે ઓરમાયું વર્તન રાખવામાં આવી રહ્યું છે. પાલિકા દ્વારા આ વિસ્તારની પાણી અને રસ્તાની સહિતની સમસ્યા દૂર કરે તેવી આશા અહી ના રહીશો રાખી રહ્યા હતા.
