હાલોલ પાવાગઢ બાયપાસ રોડ પર આવેલા એક ( સ્ક્રેપ ) ભંગારના ગોડાઉનમાં અચાનક ભીષણ આગ લાગવાની ઘટના બનત અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. જો કે ફાયર બ્રિગેડે સમયસર આગ ઉપર કાબુ મેળવી લેતા જાનહાની ટળી હતી. ગોડાઉનમાં પ્લાસ્ટિક અને વેસ્ટ મટિરિયલ વધુ હોવાને કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. જેના કારણે આસપાસના વિસ્તારમાં ડરનો માહોલ સર્જાયો હતો.ઘટનાની જાણ થતા જ હાલોલ, કાલોલ તેમજ આસપાસની ખાનગી કંપનીઓના ફાયર ફાઇટરો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ફાયર જવાનો દ્વારા આગ પર કાબૂ મેળવવાની સઘન કામગીરી કરવામાં આવી હતી અને આગ ઉપર કાબુ મેળવી લેવાયો હતો. ઉલ્લેખનીય છે કે ભંગારના ગોડાઉનમાં પ્લાસ્ટિક અને અન્ય વેસ્ટ સામગ્રીનો જથ્થો હોવાથી આગ વધુ વકરી હતી.ભારે ધુમાડાના કારણે સમગ્ર નગરજનો અને આસપાસના રહેવાસીઓને શ્વાસ લેવામાં તેમજ આંખમાં બળતરા જેવી મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો. હાલ તો આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. તે અંગે તપાસ હાથ ધરાઇ છે. સદનસીબે અત્યાર સુધી કોઈ જાનહાનિના અહેવાલ પ્રાપ્ત થયા નથી, પરંતુ આર્થિક નુકસાન મોટું થયું છે.
