કાલોલ તાલુકાના ભાદરોલી (બુઝર્ગ) ગામે 17 વર્ષ બાદ પુનઃ એસટી બસની સેવા શરૂ થતાં ગ્રામજનોમાં આનંદ વ્યાપી ગયો હતો.
સ્થાનિક મહિલા સરપંચના જણાવ્યા અનુસાર કાલોલથી સાત આઠ કિલોમીટર અંદર આવેલ ભાદરોલી બુઝર્ગ ગામના 60-65 વિદ્યાર્થીઓ વર્ષોથી કાલોલ સુધી નિયમિત અભ્યાસ કરવા માટે ખાનગી વાહનો મારફ્તે જીવના જોખમે અપડાઉન કરતા જોવા મળતા હતા. તદ્ઉપરાંત ગ્રામજનોને વેપાર ધંધા માટે કાલોલ આવવા જવાની મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હતો. અગાઉ 17 વર્ષ પહેલાં નિયમિત એસટી બસ આવતી હતી પરંતુ તંત્ર દ્વારા ગમે તે કારણોસર આ રૂટ બંધ કરી દેવામાં આવ્યો હતો. જેથી સ્થાનિક મહિલા સરપંચે ગામમાં પુનઃ નિયમિત એસટી બસની સેવા શરૂ કરવા માટે અથાક પ્રયાસો હાથ ધર્યા હતા. જે તમામ પ્રયાસોને અંતે તંત્રએ રજૂઆત ગ્રાહ્ય રાખીને બુધવારથી ગ્રામજનોની માંગ અનુસાર વિદ્યાર્થીઓના રાહતને ધોરણે શાળા સમય મુજબ સવારે 9:30 કલાકે અને સાંજે 5:30 કલાકના નિયમિત રૂટની ફાળવણી કરતાં બુધવારે સવારે નવ કલાકે ગામમાં બસ આવતા સ્થાનિક સરપંચ સાથે ગ્રામજનોએ ફુલહાર સાથે સ્વાગત કરીને એસટી બસના આવકાર સાથે ગ્રામજનોએ 17 વર્ષ પછી પુનઃ શરૂ થતાં આનંદની અનુભૂતિ પ્રગટ કરી હતી.
