બોડેલી કન્યાશાળા પીએમશ્રી ગુજરાત ખાતે શાળા પ્રવેશોત્સવ-2026ની ભવ્ય ઉજવણી કરાઇ હતી. કાર્યક્રમમાં મુખ્ય અતિથિ અને અધ્યક્ષ તરીકે સંદિપસિંહ એન.ગોહિલ, અંડર સેક્રેટરી, સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગ, સચિવાલય, ગાંધીનગર ઉપસ્થિત રહ્યા હતા.


કાર્યક્રમનું સુંદર સંચાલન વિદ્યાર્થીની કાવ્યા બારીયાએ ગુજરાતી, હિન્દી, અંગ્રેજી અને સંસ્કૃત એમ 4 ભાષામાં કર્યું હતું. વિદ્યાર્થીની ખુશી રાઠવાએ બેટી બચાવો, બેટી પઢાવો વિષય પર પ્રેરણાદાયી વક્તવ્ય રજૂ કર્યું હતું. પ્રવેશોત્સવ અંતર્ગત બાલવાટિકામાં 20 અને ધો.1માં 10 આમ કુલ પ્રવેશ મેળવનાર કુલ 30 દીકરીને કુમકુમ તિલક કરી શાળા પ્રવેશ અપાયો હતો. દાતા પાર્થ સોની દ્વારા દફ્તર તથા કાર્તિકભાઈ શાહ દ્વારા શૈક્ષણિક કિટનું વિતરણ કરાયું હતું. બંને દાતાનું મુખ્ય અતિથિ દ્વારા શાલ ઓઢાડી અને પ્રમાણપત્ર આપી સન્માન કરાયું હતું.

સંદીપસિંહ ગોહિલે શાળાની ભૌતિક અને શૈક્ષણિક પ્રગતિ, વધતું નામાંકન, SMCનું સક્રિય જોડાણ, શિક્ષકોની નિષ્ઠા, શુદ્ધ પીવાનું પાણી અને ગુણવત્તાયુક્ત મધ્યાહન ભોજન જેવી બાબતોની પ્રશંસા કરી હતી. તેમણે દીકરીઓને શિક્ષણનું મહત્વ સમજાવી ભવિષ્યમાં વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે આગળ વધવા પ્રેરિત કરી હતી.

કલ્પના ચાવલા અને સુનિતા વિલિયમ્સ જેવા પ્રેરણાદાયી વ્યક્તિત્વોના ઉદાહરણો આપી તેમણે દીકરીઓને ઉચ્ચ સપનાઓ જોવાની અને તેને સાકાર કરવાની પ્રેરણા આપી હતી. અને શાળા ઉતરોત્તર પ્રગતિ કરે તેવી શુભકામના પાઠવી હતી. કાર્યક્રમ બાદ મુખ્ય અતિથિના હસ્તે વૃક્ષારોપણ કરાયું હતું. ત્યારબાદ SMC સભ્યો સાથે યોજાયેલી બેઠકમાં શાળાની ભૌતિક અને શૈક્ષણિક પ્રગતિ અંગે વિસ્તૃત ચર્ચા કરાઇ હતી. સિમતિના સભ્યો સાથેના સંવાદ દરમિયાન ગોહિલે શાળા પ્રત્યેના તેમના સમર્પણ અને સહયોગની પ્રશંસા વ્યક્ત કરી હતી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: