કાલોલ શહેરમાં આજે વીર યોદ્ધા મહારાણા પ્રતાપની 486 મી જન્મજયંતિની હર્ષભેર ઉજવણી કરવામાં આવી હતી.
કાલોલ શહેરમાં આજે છત્રીસ પરગણા રાજપૂત યુવા સંગઠન અને કાલોલ ભાજપ સંગઠનના હોદેદારો દ્વારા મધ્યકાલીન રાજપુત શિરોમણી ગણાતા મેવાડ રાજવંશના ધર્મપ્રતાપી રાજવી, સાંસ્કૃતિક સંરક્ષક અને મહાન યોદ્ધા મહાવીર મહારાણા પ્રતાપની 486મી જન્મજયંતિ નિમિત્તે હાઈવે સ્થિત સ્ટેશન ચોકડી પાસે આવેલ મહારાણા પ્રતાપની પ્રતિમાને સ્વચ્છ કરી ફુલહાર ચઢાવીને વંદન કર્યા હતા. ખાસ કરીને વિપરીત સંજોગોમાં પણ સ્વાભિમાન સાથે જીવવાની શીખ આપનાર મહારાણા પ્રતાપની જન્મ જયંતી સમગ્ર રાજપૂત સમાજના લોકોને જાગૃત કરવા માટે પ્રેરણાદાયી ગણાય છે, જેથી મહારાણા પ્રતાપના જીવન કાર્યોને યાદ કરી જન્મ જ્યંતીની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે કાલોલ ધારાસભ્ય ફ્તેસિંહ ચૌહાણ, તાલુકા પંચાયત ના પ્રમુખ જયપાલસિંહ રાઠોડ, ઉપપ્રમુખ સંજયભાઈ રાઠોડ સહિત ભાજપ સંગઠનના હોદ્દેદારો તથા કાલોલ છત્રીસ પરગણા રાજપુત યુવા સંગઠનના સભ્યોએ મહારાણા પ્રતાપની જયંતી નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કરી હતી.










