18
મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગર જિલ્લાના કન્નડ તાલુકાના બિલ્લેરી ગામના આશરે 50 માઈ ભક્તો શક્તિપીઠ પાવાગઢ ખાતે મહાકાળી માતાજીની અખંડ જ્યોત લેવા આવ્યા હતા. સોમવારે રાત્રે 8 વાગ્યે પાવાગઢથી મશાલ જ્યોત લઈને ઉઘાડા પગે દોડતા-દોડતા પોતાના વતન બિલ્લેરી જવા નીકળેલા ભક્તો માત્ર ચાર કલાકમાં રાત્રે 12 વાગ્યે બોડેલીના ઢોકલીયા વિસ્તારમાં ઓરસંગ બ્રિજ પાસે આવી પહોંચ્યા હતા.
શક્તિપીઠ પાવાગઢ ખાતે મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર તથા રાજસ્થાનમાંથી મોટી સંખ્યામાં માઈ ભક્તો માતાજીના દર્શનાર્થે આવે છે. ખાસ કરીને આસો નવરાત્રી નજીક આવતાં પાવાગઢથી અખંડ જ્યોત લઈ પોતાના વતન પરત ફરતા ભક્તોમાં અનોખી શ્રદ્ધા જોવા મળે છે. મહારાષ્ટ્રના બિલ્લેરી ગામના આ માઈ ભક્તો પણ માતાજીની મશાલ જ્યોત લઈને પગપાળા દોડતા પોતાના વતન તરફ્ રવાના થયા છે. તેમની સાથે વાતચીત કરતાં તેમણે જણાવ્યું હતું કે, તેઓ સોમવારે રાત્રે 8 વાગ્યે પાવાગઢથી જ્યોત લઈને બિલ્લેરી જવા નીકળ્યા હતા અને ચાર કલાકમાં બોડેલી સુધીનું અંતર કાપ્યું હતું. ભક્તોએ વધુમાં જણાવ્યું હતું કે, દરરોજ આશરે 100 કિલોમીટરનું અંતર કાપી પ્રથમ નવરાત્રીના દિવસે બિલ્લેરી પહોંચવાનો તેમનો સંકલ્પ છે. ગામમાં પહોંચ્યા બાદ નવરાત્રી મહોત્સવના સ્થળે અખંડ જ્યોતની પૂજા-અર્ચના કરી સ્થાપના કરાશે. ત્યારબાદ નવરાત્રી મહોત્સવની ઉજવણી કરાશે. મશાલ જ્યોત લઈને દોડતા આવેલા અમોલ પાટીલ, ગોપાલ બમનવતા, સતપાલ સિંધલ સહિતના ભક્તોએ જણાવ્યું હતું કે, તેઓ કુલ આશરે 50 માઈ ભક્તો છે. તમામ ભક્તો વારાફરતી મશાલ જ્યોત હાથમાં લઈને દોડે છે. અને કોઈપણ સંજોગોમાં પ્રથમ નવરાત્રીના દિવસે સવારે પોતાના ગામ બિલ્લેરી પહોંચી જ્યોત સ્થાપિત કરવાનો સંકલ્પ ધરાવે છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો