નવ દાયકાથી વધુ સમય પહેલા બોડેલી ખાતે ગાયકવાડ સ્ટેટ દ્વારા સ્થાપિત ઐતિહાસિક ઢોકલિયા પબ્લિક હોસ્પિટલ આજે ટ્રસ્ટીઓના વિવાદિત મામલાને કારણે અસ્તિત્વના સંકટ સામે ઝઝૂમી રહી છે.
25 ડિસેમ્બરથી દવાઓની ખરીદી બંધ થતા હોસ્પિટલની કામગીરી ધીમે ધીમે ઠપ થતી ગઈ છે. રોજે રોજ 200થી વધુ ઓપીડી ધરાવતી આ હોસ્પિટલમાં અગાઉ 70થી 80 ટકા દર્દીઓ વિવિધ સરકારી યોજના હેઠળ મફ્ત સારવાર મેળવતા હતા. પરંતુ હાલ દવાઓના અભાવે દાખલ દર્દીઓ લેવાનું સંપૂર્ણપણે બંધ કરી દેવાયું છે.ડોક્ટરોના પગાર હોલ્ડ કરાતા અને દાખલ દર્દીઓ બંધ થતાં હોસ્પિટલના 9માંથી 4 મહત્વના ડોક્ટરોએ 30 ડિસેમ્બરના રોજ એકસાથે રાજીનામા આપી દીધા હતા. જોકે, ડોક્ટરો દ્વારા સ્પષ્ટતા કરાઇ છે કે, આગામી 30 દિવસમાં દવાઓ સહિતની જરૂરી વ્યવસ્થા પુનઃસ્થાપિત થશે તો તેઓ ફરી સેવા આપવા તૈયાર છે. આ સ્થિતિને કારણે બોડેલી નગર સહિત સમગ્ર છોટાઉદેપુર જિલ્લામાં ભારે ચકચાર મચી છે. અનેક દર્દીઓ અને તેમના સ્વજનો સારવાર વિના પરત ફરવા મજબૂર બન્યા છે. જેને કારણે ખાનગી અને મોંઘી હોસ્પિટલોમાં સારવાર લેવાની ફરજ પડે છે. છોટાઉદેપુર જિલ્લાના આદિવાસી પૂર્વ પટ્ટામાં આશીર્વાદ સમાન એવી ઢોકલિયા હોસ્પિટલ આજે ટ્રસ્ટીઓના વિવાદને કારણે પોતાના અસ્તિત્વ સામે ઝઝૂમી રહી છે.










