બોડેલી ખાતે શ્રી દ્વારકાધીશ મંદિરના મેડા ઉપર આવેલા એ.સી. સત્સંગ હોલમાં વૈષ્ણવ યુવા સંગઠન-વિપો દ્વારા વૈષ્ણવ સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે 28 મા શૈક્ષણિક સન્માન સમારોહનું આયોજન વૈષ્ણવ યુવા સંગઠનના પ્રેરક, માર્ગદર્શક અને અધ્યક્ષ પરમ પૂજ્ય ગોસ્વામી 108 શ્રી દ્વારકેશલાલજી મહારાજશ્રીની પાવન નિશ્રામાં તા.21 ઓગસ્ટ શુક્રવારે સાંજે 5:00 વાગ્યે કરવામાં આવ્યું છે.

સંગઠન દ્વારા દર વર્ષે સમાજના વિદ્યાર્થીઓને અભ્યાસ માટે પ્રોત્સાહિત કરવા તથા તેમનામાં અભ્યાસ પ્રત્યે ઉત્સાહ અને રુચિ વધે તે હેતુથી શૈક્ષણિક સમારોહનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે શૈક્ષણિક વર્ષ 2025-26 દરમિયાન સારા ગુણ મેળવી ઉત્તીર્ણ થયેલા ધોરણ-1થી કોલેજ સુધીના તેજસ્વી વિદ્યાર્થીઓનું શીલ્ડ અને મેડલ એનાયત કરી સન્માન કરવામાં આવશે. સમારોહમાં વિદ્યાર્થીઓ સાથે તેમના વાલીઓ તેમજ સમાજના સદગૃહસ્થો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી તેજસ્વી તારલાઓને પ્રોત્સાહિત કરશે. કાર્યક્રમ બાદ શયન દર્શનમાં શ્રી પ્રભુ ભવ્ય હિંડોળામાં બિરાજી ભક્તજનોને દર્શન આપશે.