બોડેલી તાલુકાના કડીલા ગામે પૌરાણિક શિવ મંદિર સહિત વિવિધ મંદિરોમાં દર્શન માટે ભક્તોની ભીડ જામી હતી. જલઝુલણી અગિયારસના મેળામાં માનવ મહેરામણ ઊમટી પડયો હતો.

બોડેલી તાલુકાના કડીલા ગામે ભાદરવા સુદ અગિયારસના પાવન પર્વ નિમિત્તે પરંપરાગત જલઝુલણી અગિયારસનો મેળો યોજાયો હતો. મેળાને લઇ બોડેલી તાલુકા સહિત આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકો ઊમટી પડતાં આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો.

કડીલા ગામે જે સ્થળે જલઝુલણી અગિયારસનો મેળો યોજાય છે. ત્યાં ગાયકવાડી સ્ટેટના સમયગાળામાં બનેલું પૌરાણિક શિવ મંદિર તથા હનુમાન મંદિર આવેલાં છે. ઉપરાંત ખોડિયાર માતાનું મંદિર, તેમજ પાછલા બે દાયકામાં નિર્માણ પામેલા શનિદેવ અને ગણપતિજીના મંદિરો પણ અહીં આવેલાં છે. જલઝુલણી અગિયારસના પર્વે આ તમામ મંદિરોમાં દર્શન કરવા માટે ભક્તોની ભારે ભીડ જોવા મળે છે. મેળામાં આસપાસના ગામો અને તાલુકાઓમાંથી લોકો પરિવાર સાથે પહોંચ્યા હતા. ધાર્મિક આસ્થા સાથે લોકો મેળાની મોજ માણતા જોવા મળ્યા હતા. વિવિધ ચીજવસ્તુઓની દુકાનો, ખાણીપીણીના સ્ટોલ સહિતના કારણે સમગ્ર મેળા સ્થળે ઉત્સાહભર્યો માહોલ જોવા મળ્યો હતો. કડીલા ખાતે પૌરાણિક શિવ મંદિરના ઇતિહાસ અંગે ગામના વયોવૃદ્ધ મૂળજીભાઈ દીપાભાઈ બારીયાએ જણાવ્યું હતું કે, માકણી ગામના કાસમ કાકાએ કડિયા કામ કરીને આ પૌરાણિક શિવ મંદિરનું નિર્માણ કર્યું હતું. વર્ષોથી આ સ્થળે લોકોની આસ્થા જોડાયેલી છે. જલઝુલણી અગિયારસે અહીં મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે આવે છે. પરંપરાગત રીતે યોજાતા આ મેળામાં લોકોએ કડીલા ગામની ધાર્મિક તથા સાંસ્કૃતિક પરંપરાને જીવંત રાખી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો