પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકામાં વન્યજીવોના શિકારના ઈરાદે નીકળેલી ગોધરાની એક ટોળકીને પોલીસે દબોચી લીધી છે. ચલાલીના જંગલ વિસ્તારમાં થયેલા ગોળીબારના અવાજ બાદ સક્રિય થયેલી પોલીસે ભાગતા શિકારીઓનો 15 કિલોમીટર સુધી ફિલ્મી ઢબે પીછો કર્યો હતો.
ત્રણ આરોપીઓને બંદૂક અને જીવતા કારતુસ સાથે ઝડપી પાડ્યા
દરમિયાન પૂરઝડપે જતી કાર પલટી ખાઈ જતા પોલીસે ત્રણ આરોપીઓને ડબલ બેરલ બંદૂક અને સાત જીવતા કારતુસ સાથે ઝડપી પાડ્યા છે. આ સમગ્ર ઓપરેશનમાં પોલીસે કુલ ૪,૧૫,૮૪૦નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
બંદૂકથી ફાયરિંગ થયેલો પ્રચંડ અવાજ સંભળાયો
પંચમહાલ ની શહેરા પોલીસની ટીમ ચલાલી ગામેથી વાઘજીપુર તરફ જતાં રોડ પર આવેલા જંગલ વિસ્તારમાં સઘન પેટ્રોલિંગ કરી રહી હતી. આ દરમિયાન અચાનક જંગલના ઊંડાણમાંથી બંદૂકથી ફાયરિંગ થયેલો પ્રચંડ અવાજ સંભળાયો હતો સાથે નિલગાય નુ ટોળું જોવા મળ્યું હતું. શાંત જંગલમાં ગોળીબારના અવાજથી પોલીસ તુરંત એક્શન મોડમાં આવી ગઈ હતી અને શંકાસ્પદ હિલચાલ પર નજર રાખવાનું શરૂ કર્યું હતું.
લગભગ ૧૫ કિલોમીટર સુધી આ ફિલ્મી ચેઝ ચાલ્યો
ફાયરિંગના થોડા જ સમયમાં જંગલમાંથી એક ફોર-વ્હીલર કાર અત્યંત પૂરઝડપે રોડ પર આવતી દેખાઈ હતી. પોલીસે સમયસૂચકતા વાપરીને બેરિકેડિંગ અને ટોર્ચના ઈશારાથી કારને ઉભી રાખવા સૂચના આપી હતી. જોકે, કારમાં સવાર શખ્સોએ પોલીસને જોઈને પકડાઈ જવાના ડરે ગાડી ઉભી રાખવાને બદલે વાઘજીપુર તરફ વધુ સ્પીડે દોડાવી મૂકી હતી. પોલીસે પણ હિંમત હાર્યા વગર પોતાની સરકારી જીપ વડે આ કારનો પીછો શરૂ કર્યો હતો. અંધારા રસ્તાઓ પર લગભગ ૧૫ કિલોમીટર સુધી આ ફિલ્મી ચેઝ ચાલ્યો હતો.પોલીસથી બચવા માટે આંધળી દોટ મૂકનાર કારના ચાલકે વાઘજીપુર થી ગોધરા તરફના રસ્તા પર સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવી દીધો હતો. બેકાબૂ બનેલી કાર પલટી ખાઈ ગઈ હતી, જેના પગલે પોલીસની ટીમે તુરંત કારને ઘેરી લીધી હતી.
નીલગાય જેવા વન્યજીવોનો શિકાર કરવાના ઈરાદે આવ્યા
અકસ્માત બાદ ભાગવાની કોશિશ કરી રહેલા ત્રણ શખ્સોને પોલીસે સ્થળ પર જ દબોચી લીધા હતા.પકડાયેલા ત્રણ શખ્સોની અને કારની તલાશી લેતા ડબલ બેરલ બંદૂક અને સાત જીવતા કારતુસ મળી આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી.પ્રાથમિક તપાસમાં આરોપીઓએ કબૂલાત કરી છે કે તેઓ જંગલમાં નીલગાય જેવા વન્યજીવોનો શિકાર કરવાના ઈરાદે આવ્યા હતા. તેમની પાસે રહેલી બંદૂક અને કારતુસ પણ શિકાર માટે જ લાવવામાં આવ્યા હતા. પોલીસે ડબલ બેરલ બંદૂક અને સાત જીવતા કારતુસ તેમજ કાર મળીને કુલ ૪,૧૫,૮૪૦નો મુદ્દામાલ જપ્ત કરીને વન્યજીવ સંરક્ષણ અને આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
પોલીસે ત્રણ આરોપીને ઝડપી પાડ્યા
પોલીસે સીરાઝ સુલેમાન ખરાદી તથા વસીમ ફારૂક દોલતી અને અયુબ એહમદ કમલીને ઝડપી પાડી વધુ તપાસ શરુ કરી છે.
આ પણ વાંચો--- Ahmedabad : સાણંદ–વિરમગામ હાઈવે પર ત્રિપલ અકસ્માત, કારમાં આગ લાગતા બેના મોત