12
ગોધરા શહેરમાં સફાઈ અને બગીચાઓની જાળવણીને લઈને નગરપાલિકાની કામગીરી સામે ગંભીર સવાલો ઉઠી રહ્યા છે. શહેરના બાવાની મઢી સામે આવેલો દાદા દાદી પાર્ક હાલ ગંદકી અને અવ્યવસ્થાના કારણે ખંડેર હાલતમાં જોવા મળી રહ્યો હોવાના આક્ષેપો સ્થાનિકો દ્વારા કરાયા છે. લાખો રૂપિયાના ખર્ચે તૈયાર કરાયેલા આ બગીચાની યોગ્ય જાળવણી અને નિયમિત સફાઈના અભાવે અહીં કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે.
સ્થાનિકોના જણાવ્યા મુજબ દાદા દાદી પાર્કમાં લાંબા સમયથી નિયમિત સફાઈ કરાઈ નથી. જેના કારણે બગીચાના વિવિધ વિસ્તારોમાં કચરો એકઠો થઈ ગયો છે. પવન ફૂંકાતા કચરા ના ઢગલાઓમાંથી દુર્ગંધ ફેલાતા સ્થાનિક રહીશો તેમજ નજીકના દુકાનદારોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે. બગીચામાં નાના બાળકો માટે લાખો રૂપિયાના ખર્ચે મુકવામાં આવેલા વિવિધ હીંચકા અને રમતગમતના સાધનો પણ યોગ્ય જાળવણીના અભાવે તૂટેલી હાલતમાં જોવા મળી રહ્યા છે. બગીચો લોકો માટે આરામ અને મનોરંજનનું સ્થળ બનવાને બદલે હાલ ગંદકી અને અવ્યવસ્થાના કારણે ઉપયોગ લાયક ન રહ્યો હોવાની ફરિયાદો ઉઠી છે. જેથી નગરપાલિકા દ્વારા વહેલીતકે દાદા - દાદી પાર્કની સાફ સફાઈ કરાવી, તૂટેલા રમત ગમતના સાધનોની મરામત કરાવાવ અને બગીચાની નિયમિત જાળવણીની કાયમી વ્યવસ્થા કરવા માંગ ઉઠી છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો