વન્ય પ્રાણી વિભાગ, વડોદરા વર્તુળ હેઠળ આવતા જાંબુઘોડા અભયારણ્ય, શિવરાજપુર અને કંજેટા રેંજના વનરક્ષક તથા વનપાલ સહિતના આશરે 29 કર્મચારીઓએ પોતાની લાંબા સમયથી પડતર વિવિધ માંગણીઓનો સત્વરે ઉકેલ લાવવા વડોદરા વન્ય પ્રાણી વિભાગની કચેરી ખાતે DFO મહેન્દ્રસિંહ રાઠવાને આવેદનપત્ર આપ્યું હતું.
વન કર્મચારીઓએ આવેદનપત્રમાં ફરજ દરમિયાન સુરક્ષા અને સિક્યુરિટી એલાઉન્સ આપવા, રજાના દિવસે બજાવવામાં આવતી ફરજના બદલામાં હાલના 48 દિવસના બદલે પૂરતી રજા આપવા તેમજ નિયમો મુજબ રજા અને વળતરનો લાભ આપવા માંગ કરી હતી. ઉપરાંત પોલીસ વિભાગના ધોરણ મુજબ જરૂરી લાભો આપવા પણ રજૂઆત કરાઈ હતી. આ ઉપરાંત વનપાલની ભરતી બંધ કરવાની નીતિમાં ફેરફાર કરી બંધ કરાયેલી જગ્યાઓનું મહેકમ પુનઃ શરૂ કરવા, રિક્ત જગ્યાઓ પર ભરતી કરવા તેમજ બીટ અને રેન્જનું વિસ્તરણ કરી નવી જગ્યાઓ ઊભી કરવાની માંગ કરવામાં આવી હતી. વનરક્ષક તથા વનપાલની લાંબા સમયથી પડતર બદલીના પ્રશ્નનું પણ તાત્કાલિક નિરાકરણ લાવવા રજૂઆત કરાઈ હતી. આંદોલન કાર્યક્રમમાં જિલ્લા યુનિટના તમામ સ્ટાફ્ જોડાશે.
