ગુજરાત હાઇકોર્ટ દ્વારા કોર્ટની કાર્યવાહી તથા દસ્તાવેજ અંગે જારી કરાયેલા પરિપત્રના વિરોધમાં છોટાઉદેપુર જિલ્લા સહિત બોડેલી બાર એસોસિએશનના વકીલોએ અચોક્કસ મુદ્દતની હડતાળ શરૂ કરી છે. બોડેલી ખાતે વકીલોએ હાથ પર કાળી પટ્ટી બાંધી લડેંગે, જીતેંગેના નારા લગાવી કોર્ટની કામગીરીનો બહિષ્કાર કર્યો હતો.
હાઇકોર્ટના પરિપત્રમાં અરજીઓ તથા અન્ય કાનૂની દસ્તાવેજો માટે A-4 સાઇઝના પેપરનો ફરજિયાત ઉપયોગ અને નક્કી કરાયેલા ફેન્ટમાં ટાઇપિંગ કરવાની શરતો મૂકાઇ છે. ઉપરાંત હસ્તલેખિત અરજી બંધ કરવા સહિતના નિયમો સામે બોડેલીના વકીલોમાં રોષ જોવામળ્યો હતો. વકીલોના જણાવ્યા મુજબ, નવા નિયમોને કારણે ખાસ કરીને સામાન્ય અરજદારો અને પક્ષકારોને મુશ્કેલી પડી શકે છે. કાનૂની પ્રક્રિયાને સરળ બનાવવાને બદલે કાગળની સાઇઝ, ફેન્ટ તથા ટાઇપિંગને લગતી ફરજિયાત શરતો લાદી દેવાતા વકીલોએ વિરોધ નોંધાવ્યો હતો. બોડેલી બાર એસોસિએશનના પ્રમુખ લલિતચંદ્ર રોહિતે જણાવ્યું હતું કે, હાઇકોર્ટના પરિપત્રમાં A4 સાઇઝના પેપરનો ફરજિયાત ઉપયોગ, નક્કી કરાયેલા ફેન્ટમાં ટાઇપિંગ તથા હસ્તલિખિતઅરજીઓ બંધ કરવા સહિતના નિયમો સામે વકીલોમાં રોષ છે. પરિપત્ર પરત ખેંચવાની માંગ સાથે બોડેલી બાર એસોસિએશન દ્વારા અચોક્કસ મુદ્દતની હડતાળ શરૂ કરાઇ છે. જ્યાં સુધી પરિપત્ર પરત નહીં ખેંચાય ત્યાં સુધી કોર્ટની કામગીરીનો બહિષ્કાર ચાલુ રહેશે.
