બોડેલી સેવા સદન ખાતે કાર્યરત તાલુકા પુસ્તકાલય વિદ્યાર્થીઓ તેમજ નગરજનો માટે જ્ઞાનનું મહત્વપૂર્ણ કેન્દ્ર બની રહ્યું છે. પુસ્તકાલયમાં વિવિધ વિષયોને લગતા પુસ્તકો ઉપલબ્ધ હોવાથી અભ્યાસપ્રેમી વિદ્યાર્થી અને વાંચન શોખીન નગરજનો મોટી સંખ્યામાં તેનો લાભ લઈ રહ્યા છે.

ખાસ કરીને શાળાના વિદ્યાર્થીઓ માટે આ પુસ્તકાલય આશીર્વાદરૂપ છે. પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓ નિયમિતપણે પુસ્તકાલયની મુલાકાત લઈ અભ્યાસક્રમને લગતા પુસ્તકો, સંદર્ભ પુસ્તકો તથા સામાન્ય જ્ઞાનના પુસ્તકોનો અભ્યાસ કરે છે. ઇતિહાસ, ભૂગોળ, વિજ્ઞાન સહિતના વિવિધ વિષયોના પુસ્તકો વિદ્યાર્થીઓને પાઠયપુસ્તક ઉપરાંતનું જ્ઞાન મેળવવા મદદરૂપ બને છે. પુસ્તકાલયમાં માત્ર શૈક્ષણિક પુસ્તકો જ નહીં, પરંતુ સાહિત્ય, વાર્તા, જીવનચરિત્ર, સામાન્ય જ્ઞાન અને વિવિધ માહિતીપ્રદ પુસ્તકો પણ ઉપલબ્ધ હોવાથી વાંચન પ્રત્યે રસ ધરાવતા નગરજનો પણ તેનો લાભ લઈ રહ્યા છે. સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા યુવા માટે પણ પુસ્તકાલય ઉપયોગી સાબિત થઈ રહ્યું છે. આજના ડિજિટલ યુગમાં મોબાઇલ અને સોશિયલ મીડિયાના વધતા ઉપયોગ વચ્ચે પુસ્તક વાંચનની ટેવ જળવાઈ રહે તે દિશામાં તાલુકા પુસ્તકાલય મહત્વની ભૂમિકા ભજવી રહ્યું છે. શાંતિપૂર્ણ વાતાવરણમાં બેસીને અભ્યાસ અને વાંચન કરવાની સુવિધા મળતી હોવાથી વિદ્યાર્થીઓમાં પણ પુસ્તકાલય પ્રત્યે આકર્ષણ જોવા મળી રહ્યું છે.

નગરજનોના જણાવ્યા મુજબ, પુસ્તક સાથેનો સંબંધ વ્યક્તિના જ્ઞાનમાં વધારો કરવાની સાથે તેના વિચારોને પણ સમૃદ્ધ બનાવે છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો