શહેરા તાલુકાના ઉમરપુર ગામના ચૌહાણ ફ્ળિયાના આ મુખ્ય માર્ગને પાકો બનાવવા માટે છેલ્લા કેટલાક વર્ષોથી વહીવટી તંત્ર અને સંબંધિત સરકારી કચેરીઓમાં રજૂઆતો કરવામાં આવી છે. આ વિસ્તારના જાગૃત ગ્રામજન કાંતિલાલ ચૌહાણ દ્વારા અવારનવાર ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરીને આ રસ્તાની દુર્દશા અંગે તંત્રનું ધ્યાન દોરવામાં આવ્યું છે. આમ છતાં, દર વખતે માત્ર આશ્વાસનો સિવાય કંઈ મળ્યું નથી. તંત્ર દ્વારા આ ગંભીર સમસ્યા પ્રત્યે આંખ આડા કાન કરવામાં આવતા સ્થાનિકોમાં ભારે રોષ વ્યાપ્યો છે.
ચોમાસાની શરૂઆત થતાં જ ગ્રામ્ય વિસ્તારોમાં પાકા રસ્તાના અભાવે લોકોને કેવી હાલાકી ભોગવવી પડે છે તેનો જીવતો-જાગતો કિસ્સો શહેરા તાલુકાના ઉમરપુર ગામમાંથી સામે આવ્યો છે. ગામના ચૌહાણ ફ્ળિયા તરફ્ જતો કાચો રસ્તો ચોમાસાના પ્રથમ વરસાદમાં જ કાદવ-કિચડથી ખદબદી ઉઠયો છે, જેના કારણે સ્થાનિક રહીશો અને વાહનચાલકો માટે અહીંથી પસાર થવું લોઢાના ચણા ચાવવા સમાન બન્યું છે. નવાઈની વાત એ છે કે આ જ માર્ગ પર પ્રખ્યાત મોગલ માતાજીનું મંદિર આવેલું હોવાથી દૂર-દૂરથી શ્રાદ્ધાળુઓ દર્શનાર્થે આવે છે, પરંતુ વહીવટી તંત્રની ઘોર ઉદાસીનતાને કારણે ભક્તો અને ગ્રામજનોએ કાદવ ખૂંદવા મજબૂર બનવું પડયું છે. દર વર્ષે ચોમાસાની ઋતુમાં આ વિસ્તારમાં આજ પરિસ્થિતિનું નિર્માણ થાય છે.
