નસવાડી તાલુકાની ગોયાવાંટ શ્રોષ્ઠ પ્રાથમિક ગ્રૂપ શાળા ખાતે વિદ્યાર્થીઓમાં રહેલી સુષુપ્ત શક્તિઓને બહાર લાવવા, સર્જનાત્મકતાને પ્રોત્સાહન આપવા તેમજ રોજિંદા જીવનમાં ઉપયોગી વ્યવહારુ કૌશલ્યોનો વિકાસ થાય તે હેતુથી બાળમેળો અને લાઈફ્ સ્કીલ મેળાનું ભવ્ય આયોજન કરાયું હતું. જેમાં ધોરણ 1થી 8ના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ પોતાની પ્રતિભા અને આવડતનું સુંદર પ્રદર્શન કર્યું હતું.

બાળમેળા અંતર્ગત ધો.1થી 5ના વિદ્યાર્થીઓ માટે વિવિધ સર્જનાત્મક પ્રવૃત્તિ કરી હતી. ભૂલકાઓએ કાગળકામ, ચિત્રકામ, ઓરિગામિ, માટીના રમકડાં તેમજ વિવિધ નકામી વસ્તુઓમાંથી ઉપયોગી અને આકર્ષક ચીજવસ્તુઓ બનાવી સૌનું ધ્યાન ખેંચ્યું હતું.

વેસ્ટમાંથી બેસ્ટ પ્રવૃત્તિમાં બાળકોએ ઘરમાં કે આસપાસ નકામી ગણાતી વસ્તુઓનો સર્જનાત્મક ઉપયોગ કરી સુંદર સુશોભનની વસ્તુઓ તૈયાર કરી હતી. રંગબેરંગી ચિત્રો, કાગળની વિવિધ કલાકૃતિઓ અને માટીની બનાવટોએ મેળામાં આકર્ષણ જમાવ્યું હતું. બાળકોની કલ્પનાશક્તિ અને સર્જનાત્મકતાની ઝલક આ પ્રવૃત્તિમાં જોવા મળી હતી.

ધો.6થી 8ના વિદ્યાર્થીઓ માટે લાઈફ્ સ્કીલ મેળા અંતર્ગત રોજિંદા જીવનમાં ઉપયોગી એવા વિવિધ કૌશલ્યોની પ્રાયોગિક તાલીમ અપાઇ હતી. માત્ર પુસ્તકિયું જ્ઞાન નહીં, પરંતુ જીવનમાં ઉપયોગી થાય તેવું વ્યવહારુ શિક્ષણ વિદ્યાર્થીઓને પ્રવૃત્તિ દ્વારા અપાયું હતું. ગૃહ વ્યવસ્થા અંતર્ગત વિદ્યાર્થીઓને બટન ટાંકવા, કપડાંની વ્યવસ્થિત ઘડી કરવી તથા સોયમાં દોરો પરોવવા જેવી ઉપયોગી બાબતો શીખવી હતી. આરોગ્ય અને સ્વચ્છતા વિભાગમાં પ્રાથમિક સારવાર એટલે કે, ર્ફ્સ્ટ એઇડની માહિતી તથા સ્વસ્થ જીવન માટે હાથ ધોવાની યોગ્ય રીતનું પ્રદર્શન કરાયું હતું. નાણાકીય વ્યવહાર અંતર્ગત બેંકના સ્લિપ ફેર્મ કેવી રીતે ભરવા, બજારમાં ખરીદી કરતી વખતે વસ્તુઓની કિંમતની ગણતરી કેવી રીતે કરવી અને નાણાંનો વ્યવસ્થિત ઉપયોગ કેવી રીતે કરવો તે અંગે વિદ્યાર્થીઓને પ્રાયોગિક સમજ અપાઇ હતી. ઉપરાંત ફયરલેસ કુકિંગ સહિત વિદ્યાર્થીઓની કલાકૃતિ અને પ્રાયોગિક રજૂઆતો સૌ માટે આકર્ષણનું કેન્દ્ર બની હતી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો