શહેરા નગરના વિકાસમાં વધુ એક મોરપિચ્છ ઉમેરાયું છે. રાજ્ય સરકાર દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે અદ્યતન સુવિધાઓથી સજ્જ નવું સર્કિટ હાઉસ બાંધીને સંપૂર્ણપણે તૈયાર કરી દેવામાં આવ્યું છે. જોકે, બાંધકામ પૂર્ણ થઈ ગયું હોવા છતાં હજુ સુધી તેના લોકાર્પણનું મુહૂર્ત ન નીકળતા, હવે આ આરામ ગૃહનું લોકાર્પણ ક્યારે થશે તે અંગે સ્થાનિક નાગરિકો અને મુલાકાતીઓમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે. શહેરા તાલુકા મથક હોવાથી અહીં વિવિધ સરકારી કામકાજ, વિકાસલક્ષી યોજનાઓની સમીક્ષા તેમજ વહીવટી તપાસ અર્થે જિલ્લા અને રાજ્ય કક્ષાના ઉચ્ચ અધિકારીઓ, મંત્રીઓ, પદાધિકારીઓ તેમજ અન્ય મહાનુભાવોની સતત અવરજવર રહેતી હોય છે. અત્યાર સુધી શહેરામાં આધુનિક અને સુવિધાયુક્ત સરકારી આરામ ગૃહની મોટી કમી વર્તાતી હતી, જેના કારણે બહારથી આવતા અધિકારીઓ અને મહેમાનોને રોકાણ માટે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. આ સમસ્યાના કાયમી નિરાકરણ માટે રાજ્ય સરકાર દ્વારા કરોડો રૂપિયાની માતબર ગ્રાન્ટ ફાળવીને નવા સર્કિટ હાઉસના નિર્માણને મંજૂરી આપવામાં આવી હતી. હાલમાં આ નવનિર્મિત સર્કિટ હાઉસનું તમામ સિવિલ અને ફ્ર્નિચર સહિતનું કામ પૂર્ણ થઈ ગયું છે અને ભવન ઉપયોગ માટે એકદમ સજ્જ છે. કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર થયેલી આ સરકારી મિલકત ધૂળ ખાતી ન પડી રહે અને વહેલી તકે વહીવટી ઉપયોગમાં આવે તેવી લાગણી શહેરાવાસીઓમાં પ્રબળ બની છે.
