પંચમહાલ જિલ્લાના ચેરાપુંજી તરીકે ઓળખાતા જાંબુઘોડા પંથકમાં મેઘમહેર યથાવત રહેવા પામી છે. છેલ્લા કેટલાક દિવસોથી જાંબુઘોડા સહિત સમગ્ર પંચમહાલ જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે રવિવારે પણ જાંબુઘોડામાં વરસાદે હાજરી પુરાવી હતી. 13 સપ્ટેમ્બરના રોજ સવારે 6થી સાંજે 4 વાગ્યા સુધીમાં જાંબુઘોડા તાલુકામાં 25 મી.મી. એટલે કે આશરે એક ઈંચ વરસાદ નોંધાયો હતો. પંચમહાલ જિલ્લામાં આજના વરસાદના આંકડામાં જાંબુઘોડા પ્રથમ ક્રમે રહ્યું હતું.

જાંબુઘોડા પંથકમાં વરસેલા વરસાદના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. વરસાદથી ખેતીવાડી વિસ્તારને પણ રાહત મળતા ધરતીપુત્રોમાં આનંદની લાગણી જોવા મળી હતી. ચોમાસાની ઋતુમાં જાંબુઘોડા પંથકની લીલીછમ પ્રકૃતિ અને જંગલ વિસ્તાર પહેલેથી જ આકર્ષણનું કેન્દ્ર બનતો હોય છે ત્યારે વરસાદ બાદ અહીંના કુદરતી સૌંદર્યમાં ઓર વધારો થયો હતો.

વરસાદી માહોલ વચ્ચે જાંબુઘોડા અભ્યારણ્ય વિસ્તાર જાણે સોળે કળાએ ખીલી ઉઠયો હતો. આજરોજ રવિવારની રજાનો દિવસ હોવાથી જાંબુઘોડા અભ્યારણ્યની મુલાકાતે મોટી સંખ્યામાં, સહેલાણીઓ ઉમટી પડયા હતા. જંગલ વિસ્તારમાં ચારે તરફ્ હરિયાળી છવાઈ હતી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો