21
છોટાઉદેપુર જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈન દ્વારા વિદ્યાર્થીઓના ઘડતર અને માર્ગદર્શન માટે શરૂ કરાયેલા વિશેષ અભિયાન કલેક્ટર ઇન ક્લાસ રૂમ અંતર્ગત બોડેલી તાલુકાના વડાતળાવ સ્થિત GLRS શાળામાં સંવાદ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં કલેક્ટર ગાર્ગી જૈને શાળાની દીકરીઓ સાથે સીધો સંવાદ સાધી તેમને સુરક્ષા, શિક્ષણ અને કારકિર્દી અંગે ઉપયોગી માર્ગદર્શન પૂરું પાડયું હતું.
વર્ગખંડમાં વિદ્યાર્થિનીઓ વચ્ચે લેક્ટરે ગુડ ટચ અને બેડ ટચ જેવા મહત્ત્વના વિષય પર વિસ્તૃત ચર્ચા કરી હતી. તેમણે દીકરીઓને કોઈપણ પ્રકારની અસુરક્ષિતતા અનુભવાય ત્યારે અચકાયા વિના પરિવારજનો અથવા શિક્ષકોને જાણ કરવા અને આત્મવિશ્વાસ જાળવી રાખવા પ્રેરિત કરી હતી. ઉપરાંત કલેક્ટરે દીકરીઓને જીવનના લક્ષ્યો અને સપના વિશે પૂછપરછ કરી હતી. પોતાના સપનાઓ સાકાર કરવા માટે સતત મહેનત, શિસ્ત અને શિક્ષણ પ્રત્યે સમર્પણ કેળવવા અનુરોધ કર્યો હતો. દરેક દીકરીમાં અસીમ ક્ષમતા રહેલી છે. યોગ્ય દિશા અને આત્મવિશ્વાસ સાથે આગળ વધવામાં આવે તો ઊંચામાં ઊંચું શિખર પણ સર કરી શકાય છે. આ પ્રસંગે શાળાની દીકરીઓએ પણ કલેક્ટર સાથે મુક્તમને સંવાદ કરી પોતાની જિજ્ઞાસાઓ અને સપનાઓ રજૂ કર્યા હતા. જિલ્લાના ઉચ્ચ અધિકારીને સંવાદ કરતા જોઈ વિદ્યાર્થિનીઓમાં ઉત્સાહ અને આત્મવિશ્વાસ જોવા મળ્યો હતો.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો