રાત્રિના આશરે 9 વાગ્યાના સમયે કલેક્ટરે નગરપાલિકા વિસ્તારમાં પહોંચી નગરની સ્વચ્છતા વ્યવસ્થાનું સ્થળ પર નિરીક્ષણ કર્યું હતું અને નગરમાં ઠેર ઠેર ગંદકી જોઇને ભડકી ગયા હતા અને પાલિકાના ચિફ ઓફિસર સહિતના અધિકારીઓને નગરને સ્વચ્છ રાખવા માટે સૂચના આપી હતી.
કલેક્ટરે માત્ર વાહનમાં બેસીને નિરીક્ષણ કરવાને બદલે નગરના વિવિધ વિસ્તારોમાં પદયાત્રા કરી રસ્તાઓ, જાહેર સ્થળો તથા આસપાસના વિસ્તારોમાં સ્વચ્છતાની વાસ્તવિક સ્થિતિ જાણી હતી. રાત્રિના સમયે અચાનક થયેલા આ નિરીક્ષણ દરમિયાન સફાઈ વ્યવસ્થાની કામગીરી અંગે સ્થળ પર જ માહિતી મેળવવામાં આવી હતી.
કલેક્ટરની ઓચિંતી મુલાકાતની જાણ થતાં બોડેલી નગરપાલિકાના ચીફ્ ઓફ્સિર સહિત સંબંધિત અધિકારીઓ અને કર્મચારીઓ પણ સ્થળ પર દોડી આવ્યા હતા. કલેક્ટરે અધિકારીઓ પાસેથી નગરમાં ચાલી રહેલી સફાઈ કામગીરી, કચરાના નિકાલ તેમજ જાહેર સ્થળોની સ્વચ્છતા અંગે વિગતો મેળવી હતી. નગરમાં નિયમિત અને અસરકારક સફાઈ થાય, જાહેર સ્થળોએ કચરો ન રહે તેમજ નાગરિકોને સ્વચ્છ અને સ્વસ્થ વાતાવરણ મળી રહે તે માટે કલેક્ટરે સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી. કલેક્ટરની આ વિઝિટ બાદ બુધવારે પાલિકાતંત્ર નગરની સફાઇમાં જોતરાયું હતું.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો