પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના છેવાડાના વિસ્તારોમાં પાનમ કેનાલ તેમજ નર્મદા કેનાલમાં સમયસર પાણી છોડવામાં ન આવતાં ડાંગર સહિતના ઉભા પાક પર સંકટ ઊભું થયું છે. કેનાલોમાં પૂરતું પાણી ઉપલબ્ધ ન થતાં ખેડૂતોમાં ચિંતા ફેલાઈ છે અને તાત્કાલિક સિંચાઈનું પાણી છોડવાની માંગ ઉઠી છે.
કાલોલ તાલુકાના ગીરધરપુરી, ખંડોળી, પીગળી, રાજપુર, સાગના મુવાડા, બોડીદ્રા, નાની પીંગળી, કાલોલ, મોકળ સહિતના અનેક ગામોના ખેડૂતો આ સમસ્યાથી પરેશાન હોવાનું જાણવા મળે છે. ખેડૂતોના જણાવ્યા મુજબ ડાંગરનો પાક હાલ મહત્વના તબક્કામાં છે ત્યારે સમયસર સિંચાઈનું પાણી નહીં મળે તો પાક સુકાઈ જવાની શક્યતા છે.પાક બચાવવા તાત્કાલિક પાણી છોડવાની માંગ
ખેડૂતોનું કહેવું છે કે પાનમ તથા નર્મદા કેનાલની નાની-મોટી શાખાઓમાં તાત્કાલિક ધોરણે પાણી છોડવામાં આવે તો ડાંગર તેમજ અન્ય ખેતીના પાકને બચાવી શકાય તેમ છે. હાલ પાકને પાણીની ખાસ જરૂરિયાત હોવાથી વધુ વિલંબ થાય તો ખેડૂતોને આર્થિક નુકસાન ભોગવવાનો વારો આવી શકે છે.
આથી ગીરધરપુરી સહિત અસરગ્રસ્ત ગામોના ખેડૂતો દ્વારા સંબંધિત સિંચાઈ વિભાગ અને તંત્ર દ્વારા તાત્કાલિક કેનાલોમાં પાણી છોડવામાં આવે, નાની-મોટી કેનાલોમાં પૂરતા પ્રમાણમાં પાણીનો પુરવઠો સુનિશ્ચિત કરવામાં આવે તેમજ રાજુપુરા માયનોર કેનાલ અને ગીરધરપુરી નજીકના રસ્તાની સ્થિતિનું સ્થળ નિરીક્ષણ કરી જરૂરી કામગીરી હાથ ધરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો