આદ્ય જગદગુરુ શંકરાચાર્ય સ્થાપિત દેશના ચાર મઠાધીશો પૈકીના એક દ્વારકા સ્થિત શારદા પીઠાધીશ્વર શંકરાચાર્ય શ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજે ઉપાડેલ સનાતન ધર્મ જાગૃતિ સેવા અભિયાન અંતર્ગત ધર્મ પ્રસાર યાત્રાના ભાગરૂપે બુધવારે બપોરના અઢી ત્રણ વાગ્યાના અરસામાં કાલોલ શહેરના શામળદેવી રોડ પર આવેલી શાંતિનિકેતન શાળા સંકુલ ખાતે ધર્મસભા સંબોધી હતી. જોકે શિયાળામાં ગતરાત્રીના સુમારે ટ્રેનની સફર દરમ્યાન થયેલ કફ અને શરદીની અસરને કારણે ગળું નાદુરસ્ત રહેતા શંકરાચાર્યે માફ્કસર હિન્દી ભાષા સાથે ગુજરાતીના મિશ્રણ સાથે ટુંકુ અને મૃદુ ભાષામાં પ્રવચન આપ્યું હતું.
ધર્મસભામાં શંકરાચાર્યએ બાળકોની સંખ્યાને અનુરૂપ ભારતીય વૈદિક શિક્ષણનો મહિમા વ્યક્ત કર્યો હતો. પુરાતન કાળમાં દુનિયામાં કોઈ સ્કુલ કે યુનિવર્સિટી નહોતી, પરંતુ ભારતમાં દસ હજાર યુનિવર્સિટીઓ હતી. યુનિવર્સિટી મતલબ કે વિદ્યાપીઠ તેમજ આશ્રમ, જ્યાં કંઠ નું નહીં પરંતુ કંઠ નીચેનું હ્ય્દયગમનનું શિક્ષણ મળતું હતું. વૈદિક શિક્ષણ જ્ઞાન વિજ્ઞાન સભર હતું, તેથી આજે પણ આજના બાળકોને વૈદિક શિક્ષણ આપવાની તાતી જરૂરિયાત છે. ગાય, ગંગા અને ગુરુ આપણી સંસ્કૃતિ છે, ગાય સેવા અને ગુરુ સેવાના ફ્ળનો અનોખો ઇતિહાસ છે. શ્રી રામ અને શ્રી કૃષ્ણ આપણા આદર્શ હોવા પર જોર આપ્યું હતું. સમગ્ર ધર્મસભામાં શંકરાચાર્યના દર્શન અને આશીર્વચન માટે શાંતિનિકેતન શાળા પરિવારના સ્ટાફ, બાળકો સહિત ચિરપરિચિત ધર્મપ્રેમીઓ તેમજ મોટી સંખ્યામાં સ્થાનિક બ્રહ્મસમાજના આગેવાનો તેમજ દર્શનાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. ધર્મસભાને અંતે સાંજે ચાર કલાકે શહેરના ગોમા નદીના પટમાં આવેલા અને તાજેતરમાં જીર્ણોદ્ધાર કરેલા શ્રી સિધ્ધનાથ મહાદેવ નવીન મંદિરમાં પીઠાધીશ્વર દ્વારા પૂજન કરવામાં આવ્યું હતું. આ શિવમંદિરના પુજનમાં સમસ્ત ચોર્યાસી બ્રાહ્મણ જ્ઞાતિ સમાજ દ્વારા ગુરુજીનું પૂજન તથા તેમના આશીર્વચનનો લાભ લીધો હતો. તે પૂર્વે ગઈકાલે સાંજે ગોધરા ખાતે આગમન બાદ તેમનું ભવ્ય સામૈયુ કરી નગરયાત્રા યોજાઈ હતી.










