શહેરામાં રક્ષાબંધન પર્વને લઇને લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો હતો. પર્વના અંતિમ દિવસે મુખ્ય બજારોમાં રાખડી, કપડાં, મીઠાઈ અને જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ ખરીદવા માટે લોકોની ભારે ભીડ ઉમટી પડી હતી. બજારમાં આ વખતે અવનવી ડિઝાઈનની રાખડીઓનું આકર્ષણ અને ભાવમાં સામાન્ય વધારો જોવા મળ્યો હતો.

શહેરા તાલુકામાં રક્ષાબંધન પર્વના અંતિમ દિવસે બજારોમાં સવારથી જ લોકોની ભારે ભીડ જોવા મળી હતી. રાખડી,મીઠાઈ તેમજ કપડાં, પૂજાપો અને અન્ય જીવન જરૂરિયાતની ચી જવસ્તુઓની ખરીદી માટે દુકાનો પર લોકોની ભારે ચહલપહલ જોવા મળી હતી. આ વર્ષે બજારમાં અવનવી અને આકર્ષક ડિઝાઈનવાળી રાખડીઓ, નાના બાળકો માટે ફેન્સી અને કાર્ટૂન કેરેક્ટરવાળી રાખડીઓ તેમજ મોટા ભાઈઓ માટે રુદ્રાક્ષ, બ્રેસલેટ અને મોતી વર્કવાળી ક્રાફ્ટેડ રાખડીઓ ખાસ આકર્ષણનું કેન્દ્ર બની હતી. ત્યારે મોંઘવારીની અસર રાખડી બજાર પર પણ જોવા મળી હતી. કાચા માલ અને ટ્રાન્સપોર્ટેશનના ખર્ચમાં વધારો થવાને કારણે આ વખતે રાખડીઓના ભાવમાં સામાન્ય વધારો નોંધાયો હતો. જોકે, ઉત્સવના આનંદ આગળ ભાવવધારો ગૌણ સાબિત થયો હતો અને લોકોએ ઉત્સાહભેર ખરીદી કરી હતી. વેપારીઓએ પણ ગ્રાહકોને આકર્ષવા માટે રાખડીની ખરીદી પર ખાસ ડિસ્કાઉન્ટ અને અવનવી આકર્ષક સ્કીમો મૂકી હતી.