શહેરામાં દિવાળીના તહેવારના દિવસોમાં SBI ATMમાં રોકડ રકમ ખૂટી જતાં ATM કાર્ડધારક ગ્રાહકોને ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો. તહેવારના સમયે રોકડની સૌથી વધુ જરૂરિયાત હોવા છતાં ATMમાં કેશ ઉપલબ્ધ ન હોવાથી અનેક ગ્રાહકોને નિરાશ થઈને ખાલી હાથે પરત ફરવું પડયું હતું.
શહેરા નગરના લુણાવાડા હાઇવે પર આવેલા SBI ATM પર 'કેશ નથી'નાબોર્ડ લગાવવામાં આવ્યા હતા. દિવાળીની ખરીદી માટે પૈસા ઉપાડવા આવેલા મજૂરો, ખેડૂતો, વિધવા બહેનો, પેન્શનધારકો અને નોકરિયાત વર્ગના લોકોને રોકડ ન મળતાં મુશ્કેલી વેઠવી પડી હતી. ખાસ કરીને 10થી 15 કિલોમીટર દૂરના ગામડાઓમાંથી ભાડું ખર્ચીને આવેલા ગ્રાહકોને ધરમધક્કા ખાવાનો વારો આવ્યો હતો. કોઈને બાળકો માટે નવાં કપડાં ખરીદવાનાં હતાં, તો કોઈને દિવાળીની મીઠાઈ, કરિયાણું કે દવાઓ લેવા માટે પૈસાની જરૂર હતી. પરંતુ ATMમાં કેશ ન હોવાથી તેમની તહેવારની તૈયારીઓ પર પાણી ફરી વળ્યું હતું. કેટલાક ગ્રાહકોએ અન્ય બેંકોના ATMમાંથી વધારાનો ચાર્જ ચૂકવી રોકડ ઉપાડવી પડી હતી, જ્યારે કેટલાકે ઉધાર લઈને કામ ચલાવ્યું હતું. સ્થાનિક ગ્રાહકોએ આક્ષેપ કર્યો હતો કે તહેવારોની જાણ હોવા છતાં બેંક તંત્ર દ્વારા ATMમાં પૂરતી રોકડ રાખવાનીવ્યવસ્થા કરવામાં આવી નથી. સામાન્ય અને મધ્યમ વર્ગના લોકો માટે ATM જ રોકડ મેળવવાનો મુખ્ય આધાર હોય છે. ત્યારે બેંક તંત્ર દ્વારા તહેવારો દરમિયાન નિયમિત કેશ ભરવાની વ્યવસ્થા કરવામાં આવેતેવી લોકોમાં ઉગ્ર માંગ ઉઠી છે.
