શહેરા તાલુકાના અણીયાદ ગામની ડેરીથી કોલેજ તરફ્ના ડામર રસ્તા પર આવેલા એક ખેતરમાં વીજ વાયર નીચે લટકી રહ્યા હોવા સાથે કેટલીક જગ્યાએ વીજ થાંભલા પણ નમી ગયેલા જોવા મળી રહ્યા છે, ત્યારે ચોમાસામાં ખેતરમાં કામ કરતા ખેડૂત પરિવારોના માથે સતત વીજ કરંટ લાગવાનો અને જાનહાનિ થવાનો ભય તોળાઈ રહ્યો છે.

શહેરા તાલુકાના અણીયાદ ગામની ડેરીથી કોલેજ તરફ્ જતા રસ્તાને અડીને આવેલા ખેતરમાંથી પસાર થતી વીજ લાઇનના વાયરો જમીનથી તદ્દન નીચે લટકી રહ્યા છે. કેટલીક જગ્યાએ વીજ થાંભલા પણ નમી ગયેલા જોવા મળી રહ્યા છે. ચોમાસામાં ખેતરોમાં પાણી ભરાયેલા હોવાથી અને વાતાવરણમાં ભેજ હોવાથી વીજ કરંટ લાગવાનો ભય સતત રહેતો હોય છે. આ પરિસ્થિતિ ગંભીર હોવા છતાં વીજ કચેરી દ્વારા આ બાબતે કોઈ દરકાર નહીં લેવાતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. દર વર્ષે વીજ કંપની દ્વારા પ્રી-મોન્સૂન મેઈન્ટેનન્સની કામગીરી કરાતી હોવાનું જણાવાય છે. તેમજ વીજ પુરવઠો બંધ રાખીને સમારકામ કરાતું હોય છે. પરંતુ અણીયાદ ગામના આ દ્રશ્યો જોતા વીજ કંપનીની પ્રી-મોન્સૂનની કામગીરી બાબતે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે.