કાલોલ તાલુકાના સમા નર્મદા કેનાલ સ્થિત દેવછોટીયા મહારાજનો 16મો પાટોત્સવ ત્રિદિવસીય વિષ્ણુ મહાયજ્ઞ સાથે વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે ઉજવાયો હતો.


કાલોલ તાલુકાના સમા ગ્રામ પંચાયત વિસ્તારમાં પસાર થતી નર્મદા મેઈન કેનાલ સ્થિત દેવનો દગો નહીં અને દગાવાળાનો દેવ નહીંની અટલ શ્રાદ્ધાથી વિરાજમાન સુપ્રસિદ્ધ દેવછોટીયા મહારાજના 16 માં પાટોત્સવ નિમિત્તે ત્રિદિવસીય વિષ્ણુયાગ મહાયજ્ઞ પૂજન યોજાયું હતું. પાટોત્સવ નિમિત્તે 10મીએ વૈદિક વિધિ વિધાન અનુસાર પ્રખર શાસ્ત્રીઓના મંત્રોચ્ચાર સાથે વિષ્ણુયાગનો શુભારંભ કરી સાંજે સુંદરકાંડના પાઠ કરાયા હતાં. બીજા દિવસે વિષ્ણુયાગ મહાયજ્ઞ પૂજન કરીને સાંજે ડેરોલગામના સુપ્રસિદ્ધ બહુચર ગૃપની મહિલાઓ દ્વારા રચિત આનંદનો ગરબો જોવા સાંભળવાનો લાભ લીધો હતો. જ્યારે 12મીએ વિધિવત હવન વિધિ અને મહાઆરતી સાથે મહાયજ્ઞનું સમાપન કરાયું હતું. સમગ્ર પાટોત્સવ અને વિષ્ણુયાગના મુખ્ય યજમાન તરીકે ઉપેન્દ્રસિંહ (કાળુભાઇ) ચાવડા તથા તેમના પરિવાર દ્વારા મોટી સંખ્યામાં ભાવિભકતોએ યજ્ઞપુજાના દર્શન, શ્રાવણ અને કિર્તનનો લાભ લીધો હતો. ત્રિદિવસીય પાટોત્સવની ઉજવણીમાં આસપાસના ગામોના ગ્રામજનો તેમજ ભાવિકોએ ઉત્સાહભેર ભાગ લઈને ત્રિદિવસીય પાટોત્સવ ધામધુમથી મનાવ્યો હતો.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: