પવિત્ર શ્રાવણ માસના પ્રથમ શનિવારે બોડેલી તાલુકાના ઝંડ ગામે જાંબુઘોડા અભયારણ્યની ગીચ હરિયાળી અને પર્વતોની હારમાળા વચ્ચે સુપ્રસિદ્ધ ઝંડ હનુમાનધામ ખાતે હનુમાન ભક્તો મોટી સંખ્યામાં ઊમટી પડવાની સંભાવના છે. શ્રાવણ માસ દરમિયાન દર મંગળવાર અને શનિવારે ભક્તોની ભારે ભીડ જામે છે.

ઝંડ હનુમાનધામની સૌથી વિશેષ આકર્ષણરૂપ આશરે 21 ફૂટ લાંબી હનુમાનદાદાની બેનમૂન મૂર્તિ એક જ રેતાળ પથ્થરમાંથી કોતરાયેલી હોવાનું કહેવાય છે. મૂર્તિના ડાબા પગ નીચે શનિદેવની મૂર્તિ પણ બિરાજમાન છે. હનુમાનજીની મૂર્તિ નીચે જ પૌરાણિક શિવ મંદિર આવેલું છે. સમગ્ર વિસ્તારને હેડંબા વન તરીકે પણ ઓળખવામાં આવે છે. જંગલ વિસ્તારમાં પ્રાચીન અને ભગ્નવસ્થામાં શિવ મંદિરો, પાળિયા, ભીમની ઘંટી સહિતના અનેક ઐતિહાસિક અવશેષો છે. લોકવાયકા મુજબ, પાંડવો વનવાસ દરમિયાન અહીં રોકાયા હતા. મંદિરની સામે કૂવા અંગે પણ એવી માન્યતા છે કે, અર્જુને તીર મારીને અહીંથી પાણી કાઢયું હતું. શ્રાવણ માસના મંગળવાર અને શનિવારે શનિની પનોતીથી પીડાતા ભક્તો તેમજ હનુમાનજીના દર્શનાર્થે આવતા શ્રાદ્ધાળુની ભારે ભીડ રહે છે. શ્રાવણ માસના અંતિમ શનિવારે અહીં ભવ્ય મેળો યોજાય છે. જેમાં હજારોની સંખ્યામાં શ્રાદ્ધાળુ ઊમટે છે.