કાલોલ ખાતે ગઈકાલે તા.16 ડિસેમ્બરે વિજય દિવસ નિમિત્તે એક શામ, વીરો કે નામ શિર્ષક હેઠળ ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણની અધ્યક્ષતામાં તાલુકાના 24 અગ્નિવીર જવાનો સાથે સંવાદ અને સન્માન કાર્યક્રમ યોજાયો હતો.


દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારતીય સેનાના પ્રેરકબળ તરીકે અવારનવાર વિવિધ રેજીમેન્ટના જવાનો સાથે સંવાદનો સેતુ રચતા રહે છે તેમ કાલોલના ધારાસભ્ય ફ્તેસિંહ ચૌહાણે પણ તાલુકાના અગ્નિવીર જવાનો સાથે સ્નેહ, સન્માન અને સંવાદનો સેતુ રચ્યો હતો. ચાલુ વર્ષે કાલોલ તાલુકામાંથી અનેક યુવાનો અગ્નિવીર તરીકે સેનામાં જોડાયા છે, ત્યારે તાજેતરમાં નવ મહિનાની ટ્રેનિંગ પુરી કરીને વતનમાં આવેલા 24 અગ્નિવીરોને તેઓના માતાપિતા સાથે આમંત્રિત કરીને ધારાસભ્યે સન્માન, સંવાદ અને સ્નેહસહયોગના ત્રિવેણી સંગમનો કાર્યક્રમ યોજ્યો હતો. જેમાં અગ્નિવીરો સાથે તેમની ટ્રેનિંગ દરમ્યાન અનુભવિત શૌર્ય, સાહસ, સંઘર્ષ અને શિસ્ત અંગેના વિવિધ સંવાદો કરીને સૌને પ્રોત્સાહિત કર્યા હતા. આ પ્રસંગે પંચમહાલ જિલ્લામાંથી ભાવિ પેઢીને પણ સેનામાં જોડાવા માટે માર્ગદર્શન અને ટ્રેનિંગ પુરી પાડતા કોબ્રા કમાન્ડો હાર્દિક બારોટ અને ટ્રેનર જયેશ પરમારે પણ ભારતીય સેનામાં મિલિટરી કે અગ્નિવીર કે પેરા મિલિટરીમાં જોડાવા માટે કોઈ ગેરસમજો નહીં રાખીને જોડાવાનું આહવાન આપ્યું હતું. ધારાસભ્યે અગ્નિવીરોને ભગવાન શ્રીરામની પ્રતિમા, પાદૂકા અને કેરી બેગ તેમજ તેમના માતા-પિતાને કપડાં અર્પણ કરીને જવાનોનું સન્માન કર્યું હતું.

એક પરિવારના બંને પુત્રો ભારતીય સેનામાં ફરજ બજાવે છે

સૈનિકો સાથે સંવાદ કાર્યક્રમમાં કાલોલ તાલુકાના એક ગામમાંથી ઉપસ્થિત અગ્નિવીરની માતાએ જણાવ્યું હતું કે, મારા બે પુત્રો છે અને મારા બન્ને પુત્રો સેનામાં જોડાયા છે. માતૃભૂમિની રક્ષા કાજે મારા બંને પુત્રો ભારતમાતાને સમર્પિત કર્યા છે તેનું મને ગૌરવ છે એવું કહ્યું ત્યારે એક માતાની અભિલાષા સાંભળીને પુરો હોલ તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠયો હતો.

દરેક પંચાયતોમાં મેદાનો બનાવવા સહાય થવા ધારાસભ્યની ખાતરી

એક અગ્નિવીરે સંવાદમાં જણાવ્યું હતું કે આપણા તાલુકાના ગામડાઓમાં પુરતાં મેદાનોનો અભાવ છે. આજે અમને જોઈને ભાવિ પેઢીના યુવાનો નિયમિત સવાર સાંજ રોડ પર દોડતા જોવા મળે છે, તેના પ્રતિભાવમાં ધારાસભ્યએ પણ ગ્રામ પંચાયતોની જોગવાઈ મુજબ મેદાનો બનાવવા માટે સહાયરૂપ બનશે તેવી ખાતરી આપી હતી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: