જાંબુઘોડા : જાંબુઘોડા સહિત સમગ્ર પંચમહાલ જિલ્લામાં ગઈકાલથી મેઘરાજાએ ધોધમાર બેટિંગ કરતાં અનેક નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે. સતત વરસાદને કારણે મહારાણા ચાલમાં આવેલ મસ્જિદ ટ્રસ્ટનું વર્ષો જૂનું અને જર્જરિત મકાન ભારે વરસાદમાં જમીનદોસ્ત થઈ ગયું. સ્થાનિકોના જણાવ્યા મુજબ, મકાન લાંબા સમય થી બિન વપરાશમાં હતું, જેના કારણે કોઈ વ્યક્તિ અંદર હાજર ન હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો સ્થળ પર દોડી આવ્યા હતા અને સમગ્ર વિસ્તારનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. હજી પણ બે દિવસ માટે એલર્ટ જાહેર કરતા સતત વરસાદને પગલે વહીવટી તંત્રએ જર્જરિત મકાનોમાં રહેતા લોકોને સાવચેત રહેવા તેમજ જોખમી મકાનો ખાલી કરવા અપીલ કરી છે.
