બોડેલી તાલુકાના ઊંચા કલમ ગામે મધ્યપ્રદેશમાંથી વિસ્થાપિત થયેલા પરિવારોને સરકાર દ્વારા ફળવાયેલી જમીનમાં વર્ષોથી ખેતી કરે છે. જોકે ગામની બાજુમાં કાર્યરત રેતીના વોશિંગ પ્લાન્ટને કારણે ખેતી અને પર્યાવરણને નુકસાન થતાં હોવાના આક્ષેપ સાથે અસરગ્રસ્ત પરિવારો દ્વારા નિરાકરણ કરવા માંગ કરાઇ છે.

અસરગ્રસ્તોના જણાવ્યા મુજબ, વોશિંગ પ્લાન્ટમાંથી નીકળતી રેતી અને ગ્રેવલ નજીકની કોતરોમાં ઠાલવાતાં કુદરતી પાણીના નિકાલનો માર્ગ અવરોધાયો છે. પરિણામે ચોમાસામાં પાણી ખેતરોમાં ભરાઈ રહે છે. જમીનનું ધોવાણ થાય છે. પાકને નુકસાન થાય છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ, કેટલાક બનાવમાં પશુઓ પણ કોતરોમાં ગરકાવ થતાં નુકસાન વેઠવું પડે છે. ખેડૂતોની આર્થિક સ્થિતિ પર ગંભીર અસર પડે છે. કોતરોની તાત્કાલિક સફાઈ કરાવી પાણીના નિકાલની વ્યવસ્થા પુનઃસ્થાપિત કરવા અને ખેડૂતોને નુકસાન પહોંચાડતા રેતીના વોશિંગ પ્લાન્ટ સામે કાર્યવાહી કરવા માંગ ઉઠી છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે, આ મુદ્દે સંબંધિત વિભાગના અધિકારીઓને અનેક રજૂઆતો કરવા છતાં કોઈ કાર્યવાહી કરાઇ નથી. જેના કારણે વહીવટી તંત્રની કામગીરી સામે પણ સવાલો ઊભા થયા છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ, રેતીના વોશિંગ પ્લાન્ટો પર્યાવરણ માટે પણ નુકસાનકારક છે. સરકાર દ્વારા માત્ર નિયમો મુજબ રેતી ખનનની મંજૂરી અપાય છે. પરંતુ આવા પ્લાન્ટોના કારણે નદીમાંથી માટીવાળી રેતીનું પણ મોટા પાયે ખોદકામ થતું હોવાના આક્ષેપ કરાયા છે. જેના કારણે પર્યાવરણનું સંતુલન ખોરવાય છે. ખેડૂતોને નુકસાન વેઠવું પડે છે.