હાલોલ તાલુકાના સાથરોટા ગામે જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં જનકલ્યાણ શિબિર યોજાઈ હતી. જેમાં ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને વિવિધ સરકારી યોજનાઓના પ્રમાણપત્રો અર્પણ કરવામાં આવ્યા હતા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શાસનકાળના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે સમગ્ર રાજ્યમાં વિશ્વાસ, વિકાસ અને જનકલ્યાણના મંત્ર સાથે વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. જેના ભાગરૂપે પંચમહાલ જિલ્લામાં પ્રગતિપથ યાત્રાના દ્વિતીય તબક્કામાં આજે જિલ્લા કલેક્ટર અજય દહિયાએ હાલોલની મુલાકાત લીધી હતી. જેમાં પ્રખ્યાત સાંસ્કૃતિક વન વિરાસત વનની મુલાકાત લઈ વનની પ્રકૃતિ અને વ્યવસ્થાઓનું નિરીક્ષણ કર્યું હતું. ત્યારબાદ, તેઓ સાથરોટા ગામ ખાતે આયોજિત જનકલ્યાણ શિબિર માં ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર, સ્થાનિક અગ્રણીઓ, વહીવટી અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને વિવિધ સરકારી યોજનાઓના પ્રમાણપત્રો અર્પણ કરાયા હતા. ઉલ્લેખનીય છે કે જન કલ્યાણ શિબિર અંતર્ગત વિવિધ સરકારી વિભાગો દ્વારા યોજનાઓની માહિતી, અરજીઓ સ્વીકારવાની કામગીરી, માર્ગદર્શન, પ્રમાણપત્રોનું વિતરણ, દસ્તાવેજ સંબંધિત સેવાઓ, આધાર કાર્ડ, રેશન કાર્ડ, પેન્શન સહાય, આરોગ્ય તપાસણી સહિતની સેવાઓ અને સહાયના લાભો પાત્ર લાભાર્થીઓને ઉપલબ્ધ કરાવાયા હતા. શિબિરમાં વિવિધ વિભાગોના આંગણવાડી, આરોગ્ય સહિત વિવિધ વિભાગોના સ્ટોલ કાર્યરત કરાયા હતા.










