પંચમહાલ જિલ્લાના હાલોલ સ્થિત પોલીકેબ કંપની ખાતે પ્રભારી મંત્રી રમેશ કટારાની પ્રેરક ઉપસ્થિતિમાં વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ સમીટ અંતર્ગત પંચમહાલ જિલ્લાકક્ષાની વાઇબ્રન્ટ સમિટ યોજાઈ હતી.
પંચમહાલ ખાતે યોજાયેલા વાઇબ્રન્ટ ગુજરાત જિલ્લા કક્ષાના આ કાર્યક્રમમાં પ્રભારી મંત્રી રમેશ કટારાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2003 માં ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી તરીકે જ્યારે વાઇબ્રન્ટ ગુજરાતની શરૂઆત કરી, ત્યારે તેમનું વિઝન ઉદ્યોગો સ્થાપીને રાજ્યના યુવાનોને રોજગારી આપવાનું હતું. આજે સૌના સાથ, સહકાર અને ઉદ્યોગકારોના સહયોગથી પંચમહાલ જિલ્લા સહિત સમગ્ર ગુજરાતમાં આ મિશન ખૂબ જ સફ્ળ સાબિત થયું છે. તેમણે હાલોલ અને તેની આસપાસના વિસ્તારોમાં વિકસેલા ઉદ્યોગોની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે, આ ઉદ્યોગોના કારણે સ્થાનિક લોકોને રોજગારીની મોટી તકો મળી રહી છે.
પહેલાં જ્યાં ઉદ્યોગો માત્ર મોટા શહેરો પૂરતા મર્યાદિત હતા, ત્યાં હવે વાઇબ્રન્ટ ગુજરાતના માધ્યમથી જિલ્લા મથકો અને નાના ગામડાઓ સુધી પણ ઉદ્યોગો વિસ્તર્યા છે, જેનાથી ગરીબ અને સામાન્ય પરિવારોને સીધો લાભ મળી રહ્યો છે. વધુમાં તેમણે વર્ષ 2047 સુધીમાં વડાપ્રધાનના વિકસિત ભારતના સપનાને સાકાર કરવા માટે સૌને સાથે મળીને આગળ વધવા અપીલ કરી હતી. આ પ્રસંગે હાલોલના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમારે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ વર્ષ 2003 થી શરૂ થયેલી આ પહેલથી ગુજરાતમાં ઔદ્યોગિક ક્રાંતિ આવી છે. ખાસ કરીને હાલોલ અને પંચમહાલ વિસ્તારમાં રોજગારીની વિપુલ તકો ઊભી થઈ છે. આ પ્રસંગે જિલ્લા વહીવટી તંત્ર તથા ખાનગી એકમો સાથે એમઓયુ એક્સચેન્જ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ મહાનુભાવોના હસ્તે ઔધોગિક એકમોને આપેલ યોજનાકીય આર્થિક સહાયના વિવિધ લાભાર્થીઓને ચેક રેપલીકા આપવામાં આવી હતી.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો