શહેરાના નાંદરવા ગામે થોડા દિવસો પહેલા ખેતરમાં રોપણી વખતે વીજળી પડવાથી જીવ ગુમાવનાર દિવંગત સંતોષબેન બામણીયાના શોકગ્રસ્ત પરિવારને રાજ્ય સરકાર તરફ્થી રૂ. 4 લાખની માનવ મૃત્યુ સહાય એનાયત કરવામાં આવી હતી. ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડના હસ્તે આ આર્થિક સહાયનો ચેક પીડિત પરિવારને સુપ્રત કરીને સાંત્વના પાઠવવામાં આવી હતી.
શહેરા તાલુકાના નાંદરવા ગામે આવેલા બોર્ડના કુવા ફ્ળિયા નજીકના બામણીયા ફ્ળિયામાં થોડા દિવસો પહેલાં ચોમાસાની સીઝનને લઈને ખેતરમાં રોપણીની કામગીરી ચાલી રહી હતી. દરમિયાન અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ભારે કડાકા-ભડાકા સાથે વીજળી ત્રાટકી હતી. ખેતરમાં રોપણી કામ કરી રહેલા સંતોષબેન સોમાભાઈ બામણીયા પર સીધી વીજળી પડતા તેઓ ગંભીર રીતે દાઝી ગયા હતા અને ઘટનાસ્થળે જ તેઓનું કરુણ મોત નીપજ્યું હતું.
