શહેરા તાલુકામાં ડાંગરના ભાવમાં આવેલા અચાનક કડાકાથી ખેડૂતો અને વેપારીઓ બંને મુશ્કેલીમાં મુકાયા છે. એક તરફ્ રાત-દિવસની મહેનત સામે પૂરતું વળતર ન મળતાં ખેડૂતો આર્થિક સંકટમાં સપડાયા છે, તો બીજી તરફ્ બજારના સતત ઉતાર-ચડાવથી વેપારીઓ માટે પણ વેપાર કરવો જોખમી બન્યો છે. શહેરા તાલુકામાં ચાલુ વર્ષે ડાંગરનો પાક તૈયાર થઈને બજારમાં આવવાની શરૂઆત થતાં જ ભાવમાં ભારે કડાકો બોલાયો છે, જેને લઈને સ્થાનિક ખેડૂતોમાં ભારે ચિંતા અને અસંતોષની લાગણી વ્યાપી ગઈ છે. અનાજના વેપારીઓને ત્યાં શરૂઆતના દિવસોમાં ડાંગરના સારા ભાવ મળ્યા બાદ અચાનક જ ભાવ નીચે ઉતરી જતાં ખેડૂતોની તમામ આશાઓ પર પાણી ફરી વળ્યું છે. યોગ્ય વળતર ન મળવાને કારણે ખેડૂતો આર્થિક સંકટમાં સપડાયા છે.સ્થાનિક ખેડૂતોના જણાવ્યા અનુસાર, હાલ ખુલ્લા બજારમાં અનાજના વેપારીઓ દ્વારા ડાંગરની વિવિધ જાતોના ભાવ અત્યંત ઓછા આપવામાં આવી રહ્યા છે. જેમાં ગુજરી ડાંગરનો ભાવ રૂા.450, પરિમલનો ભાવ રૂા.430 અને ગુજરાત ડાંગરનો ભાવ રૂા.550 ની આસપાસ બોલાઈ રહ્યો છે. સીઝનની શરૂઆતમાં જ્યારે ખેડૂતોએ ડાંગર વેચવાનું શરૂ કર્યું ત્યારે ભાવ થોડા ઊંચા હતા, પરંતુ માંડ થોડા દિવસોમાં જ આ ભાવ ગગડીને તળિયે પહોંચી ગયા છે.
