કાલોલ તાલુકાના પિંગળી, સાગાના મુવાડા ગામ નજીકથી પસાર થતી પાનમ સિંચાઈ વિભાગની 37-R કેનાલમાં ચોમાસા પછી લાંબા સમયથી પાણી નહીં છોડાતા ખેડૂતોની હાલત કફોડી બની છે. એક તરફ્ ડેમમાં પાણી હોવા છતાં કેનાલમાં પાણી છોડાતું નથી જ્યારે બીજી તરફ્ ઘણા સમયથી કેનાલમાં સાફ્-સફાઈનો પણ અભાવ જોવા મળતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર કાલોલ તાલુકાના પિંગળી, રાજપુર, બોડીદ્રા અને સાગાના મુવાડા સહિત આસપાસના અનેક ગામોમાં અંદાજે 200થી 250 હેક્ટર વિસ્તારમાં ડાંગરનું વાવેતર કરવામાં આવ્યું છે. હાલ ડાંગરનો પાક તૈયાર થવાના તબક્કામાં છે, પરંતુ છેલ્લા એક મહિનાથી વિસ્તારમાં પાછોતરો વરસાદ નહીં પડતાં ડાંગરના પાકને જીવતદાન માટે પાણીની જરૂરિયાત ઊભી થઈ છે. ખેડૂતોના જણાવ્યા મુજબ આ સમગ્ર વિસ્તાર પાનમ સિંચાઇ યોજનામાં 37-આર કેનાલ હેઠળ આવરી લેવાયો છે પરંતુ દુર્ભાગ્યે પાનમ સિંચાઇ યોજનાના નિયામકો દ્વારા આ કેનાલની દરકાર નહીં કરાતાં ખેડૂતો શોષાઈ રહ્યા છે. અસરગ્રસ્ત ખેડૂતોના જણાવ્યા અનુસાર આ કેનાલમાં છેલ્લે ગત દિવાળી પછી પાણી છોડાયું હતું, ત્યારબાદ અત્યાર સુધી કેનાલમાં પાણી છોડાયું નથી અને કેનાલની જરૂરી સાફ્-સફાઈ પણ કરાઈ નથી. જેના કારણે તૈયાર થઈ રહેલા ડાંગરના પાકને પૂરતું પાણી મળતું નથી. સમગ્ર મુદ્દે ખેડૂતોએ પોતાની વ્યથા ઠાલવી છે કે અત્યારે મોંઘવારીના સમયમાં એક વીઘા ડાંગરની ખેતી પાછળ અંદાજે રૂ.15-20 હજાર જેટલો ખર્ચ થાય છે. એમાંય તંત્રની બેદરકારીને કારણે કેનાલમાં સમયસર પાણી નહીં છોડાતા ખેડૂતોનો હજારો રૂપિયાનો ખર્ચ અને આખા વર્ષની મહેનત પાણીના અભાવે નિષ્ફ્ળ જવાની ભીતિ ઊભી થઈ છે. જેથી હવે ડાંગરના ખેડૂતોની મુખ્ય કેનાલમાંથી વહેલી તકે 37-Rની પેટા કેનાલમાં પાણી છોડવા તેમજ કેનાલની જરૂરી સાફ્-સફાઈ કરવા માંગ ઉઠી છે.
