બોડેલી તાલુકાના ચાપરગોટા ગામે વનવિભાગ દ્વારા ગોઠવેલા પાંજરામાં એક માદી દીપડી પકડાઈ જતાં આસપાસના ખેડૂતો અને ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો. ઘણાં સમયથી આ વિસ્તારમાં દીપડાની અવરજવર વધતાં ખેડૂતોમાં ભયનો માહોલ હતો. ત્યારે દીપડી પાંજરે પુરાતાં સ્થાનિકોમાં હાશકારાની લાગણી પ્રસરી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, બોડેલી તાલુકામાં દીપડાઓની વધતી અવરજવરને પગલે બે મહિનાથી ચાપરગોટા સહિતના આસપાસના વિસ્તારમાં દીપડાને પાંજરે પૂરવાની ઘટના સામે આવે છે. ખાસ કરીને દોઢ મહિનાના સમયગાળામાં ચાપરગોટા અને જબુગામ પંથકમાંથી આ પાંચમો દીપડો પાંજરે પુરાયો હોવાનું જાણવા મળ્યું છે. ગઈકાલે શુક્રવારે બોડેલી અને જાંબુઘોડાની સરહદે ખાંડીવાવ ગામના કકરોલિયા વિસ્તારમાંથી એક દીપડો પાંજરે પુરાયો હતો. જેના માત્ર 24 કલાક બાદ આજે ચાપરગોટા ગામે વન વિભાગ દ્વારા ગોઠવાયેલા પાંજરામાં એક માંદી દીપડી સપડાઈ હતી. દીપડી પાંજરે પુરાતાં ગ્રામજનોએ બોડેલી વન વિભાગનાં RFO જ્યોત્સનાબેન રાઠવાને ફોન કરી જાણ કરી હતી. તેમણે સમગ્ર ઘટનાની જાણ છોટાઉદેપુરના DFO રૂપકુમાર સોલંકીને કરી હતી.DFOની સૂચના અને માર્ગદર્શન હેઠળ RFOજ્યોત્સનાબેન રાઠવા ડ્રાઇવર તથા રોજમદારોની ટીમ સાથે તાત્કાલિક ચાપરગોટા ગામે પહોંચ્યાં હતાં. ત્યારબાદ ગ્રામજનોની મદદથી પાંજરે પુરાયેલી દીપડીને ટ્રેક્ટર મારફ્તે સુરક્ષિત રીતે જબુગામ નર્સરી ખાતે ખસેડાઇ હતી. દીપડી પકડાયા બાદ બોડેલીવન વિભાગનાં RFOજ્યોત્સનાબેન રાઠવાએ સ્થાનિક ગ્રામજનોને દીપડો દેખાય ત્યારે શું કરવું અને દીપડાના હુમલાથી કેવી રીતે બચવું તે અંગે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. જેમાં પશુ બાંધવાના વાડા તથા ઓસરીમાં અને તેની બહાર રાત્રે લાઇટ ચાલુ રાખવી. દીપડાની અવરજવર ધરાવતા વિસ્તારોમાં રાત્રિના સમયે જવાનું ટાળવું અને દીપડાને ભગાડવાનો કે, તેની નજીક જવાનો પ્રયાસ ન કરવો તેવીસાવચેતી રાખવા અપીલ કરી હતી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો