પંચમહાલ જિલ્લાના ક્કચેરાપુંજીક્ર તરીકે ઓળખાતા જાંબુઘોડા પંથકમાં શુક્રવારે મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતાં સમગ્ર પંથકને જળબંબાકાર કરી દીધો હતો. બપોરના ચાર વાગ્યા બાદ અચાનક વાતાવરણમાં પલટો આવતા આભ ફાટ્યું હોય તેમ ધોધમાર વરસાદ વરસ્યો હતો. માત્ર બે કલાકમાં જ અંદાજે સાડા પાંચ ઈંચ જેટલો વરસાદ વરસતા સમગ્ર નગર પાણી-પાણી થઈ ગયું હતું.

નગરના મુખ્ય માર્ગો, બજાર વિસ્તાર તેમજ નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જતાં વાહનવ્યવહાર પ્રભાવિત થયો હતો. અનેક સ્થળોએ રસ્તાઓ નદીમાં ફેરવાઈ ગયા હતા, જેના કારણે વાહનચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો.

વરસાદના આંકડાઓ મુજબ રાત્રિના બે વાગ્યાથી સવારના છ વાગ્યા સુધીના માત્ર ચાર કલાકમાં 72 મીમી (આશરે ત્રણ ઈંચ) વરસાદ નોંધાયો હતો. ત્યારબાદ વરસાદે થોડો વિરામ લેતાં બપોરના ચાર વાગ્યા સુધી માત્ર 9 મીમી વરસાદ નોંધાયો હતો. જોકે સાંજે ચાર વાગ્યા બાદ મેઘરાજાએ ફરી જોરદાર બેટિંગ શરૂ કરી હતી અને માત્ર બે કલાકમાં સાડા પાંચ ઈંચ જેટલો વરસાદ વરસી પડયો હતો. પરિણામે રાત્રિના બે વાગ્યાથી સાંજના છ વાગ્યા સુધીના કુલ સમયગાળામાં 209 મીમી એટલે કે આઠ ઈંચથી વધુ વરસાદ નોંધાતા સમગ્ર જાંબુઘોડા પંથકમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી. જાંબુઘોડા નગર પાસેથી પસાર થતી સુકી નદીમાં પણ ઘોડાપૂર આવતાં નદી બે કાંઠે વહેવા લાગી હતી. ઉફન મારતી નદીના દ્રશ્યો નિહાળવા મોટી સંખ્યામાં નગરજનો નદી કિનારે ઉમટી પડયા હતા. ભારે વરસાદને કારણે નદી-નાળા, ચેકડેમ અને જળાશયોમાં નવા નીરની આવક થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી હોવાથી સ્થાનિક તંત્ર એલર્ટ મોડ પર છે. તંત્ર દ્વારા નાગરિકોને નદી-નાળા અને નીચાણવાળા વિસ્તારોમાં જવાનું ટાળવા તેમજ જરૂરી સાવચેતી રાખવાની અપીલ કરવામાં આવી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો