શહેરાના આંબાજટી ગામના ઠાકર મંદિરમાં દેવ દિવાળી નિમિત્તે ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડ અને ઘનશ્યામ ભરવાડની વિશેષ ઉપસ્થિતિમાં ધ્વજારોહણ મહોત્સવ અને વિવિધ ધાર્મિક કાર્યક્રમો ભક્તિભાવપૂર્વક યોજાયા હતા. ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડે દ્વારકાધીશ, શંકર ભગવાન, ગણપતિ દાદા અને હનુમાન દાદાના દર્શન કરી સૌના સુખ-શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી. શહેરા તાલુકાના આંબાજટી ગામમાં આવેલા ઠાકર મંદિર ખાતે દેવ દિવાળીના પાવન પર્વ નિમિત્તે મંદિર પરિસરમાં ધ્વજારોહણ મહોત્સવ ધામધૂમ અને પરંપરાગત વિધિવિધાન સાથે યોજાયો હતો. મંદિરના શિખર પર ધ્વજા લહેરાવવામાં આવી ત્યારે ઉપસ્થિત ગ્રામજનો અને ભક્તોએ જયઘોષ સાથે વાતાવરણને ભક્તિમય બનાવી દીધું હતું. ધ્વજારોહણ બાદ ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડ અને ઘનશ્યામ ભરવાડે મંદિરમાં બિરાજમાન દ્વારકાધીશ ભગવાન, દેવાધિદેવ શંકર ભગવાન, વિઘ્નહર્તા ગણપતિ દાદા તેમજ સંકટમોચન હનુમાન દાદાના ભાવપૂર્વક દર્શન કર્યા હતા. તેમણે તમામ દેવી-દેવતાઓના ચરણોમાં શીશ ઝુકાવીને વિધિવત પૂજા-અર્ચના કરી હતી. સૌના કલ્યાણ માટે પ્રાર્થના કરી હતી. ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડે પોતાની ભાવના વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, દેવ દિવાળીનો પવિત્ર દિવસ એ અંધકારમાંથી પ્રકાશ તરફ્ અને સત્યના માર્ગે આગળ વધવાની પ્રેરણા આપે છે.
