ગુજરાત સરકારે એનાલોગ પનીર જેવી ખાદ્ય બનાવટો પર પ્રતિબંધ જાહેર કરતાની સાથે જ દાહોદનો ફુડ વિભાગ એક્શનમાં આવ્યો હતો. દાહોદમાં વિવિધ ડેરીઓ તેમજ ડેરી પેદાશોના વેપારીઓને ત્યાં તપાસ હાથ ધરવામાં આવી હતી, પરંતુ કોઇ પણ શંકાસ્પદ પદાર્થ મળ્યો નથી. જ્યારે બે સ્થળોએથી તપાસના ભાગરૂપે પનીરના બે નમૂના પૃથ્થકરણ માટે લીધા હતા.

ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, દાહોદ સર્કલ દ્વારા ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ, ગાંધીનગરના હુકમ અન્વયે જાહેર આરોગ્યના હિતમાં કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ખાદ્ય પદાર્થોની ગુણવત્તા અને સલામતી સુનિશ્ચિત કરવાની જવાબદારીના ભાગરૂપે આ પગલું લેવાયું છે. દાહોદ સર્કલ વિસ્તારમાં ડેરી એનાલોગના ઉત્પાદન, સંગ્રહ, વિતરણ અને વેચાણને પ્રતિબંધિત કરવા માટે કચેરીના ફૂડ સેફ્ટી ઓફિસરોની ટીમ દ્વારા વિવિધ સ્થળોએ સઘન ચેકિંગ કરાયું હતું. અધિકારીઓએ બે સ્થળોએથી તપાસના ભાગરૂપે પનીરના બે નમૂના પૃથ્થકરણ માટે લીધા હતા. ડેઝીગ્નેટેડ ઓફિસર, ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, દાહોદ સર્કલ દ્વારા અખબારી યાદી દ્વારા જણાવાયું છે કે, હજુ પણ અન્ય એકમોની તપાસની કામગીરી ચાલુ છે અને જ્યાં પણ શંકાસ્પદ પનીર, બટર કે ચીઝનો જથ્થો મળી આવશે તેનો તાત્કાલિક નાશ કરી સંબંધિત એકમો સામે કડક કાયદાકીય કાર્યવાહી કરાશે. દરમિયાન એનાલોગ પનીર પર પ્રતિબંધ આવતાં વેપારીઓએ મધ્યપ્રદેશ અથવા રાજસ્થાન જથ્થો વગે કરી દીધો હોવાની સંભાવના સેવાઈ રહી છે.