શહેરા તાલુકાના સંભાલી ગામના રોડ પરથી પોલીસે કારને આંતરી તેમાંથી રૂા.3.32 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડી કારના ચાલક રાજસ્થાનના શખ્સની ધરપકડ કરી હતી. ગોધરા વિભાગના નાયબ પોલીસ અધિક્ષક બ્રિન્દા જાડેજાના માર્ગદર્શન હેઠળ શહેરા પોલીસ સ્ટેશનના સ્ટાફે બાતમીના આધારે શહેરા - સંભાલી રોડ પર વોચ ગોઠવી હતી. જે દરમિયાન બાતમીમુજબની કાર ત્યાંથી પસાર થતાં પોલીસે તેને કોર્ડન કરીને અટકાવી હતી. કાર ચાલકની પૂછપરછ કર્યા બાદ તલાશી લેતા, તેમાંથી વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. પોલીસે કુલ રૂા. 3,32,376ની 902 નંગ બોટલોનો જથ્થો જપ્ત કરી કારના ચાલક સોહનસિંહ ફતેસિંહ સિસોદીયાની ધરપકડ કરી હતી. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં આ ગુનામાં અન્ય બે શખ્સો ભૈરવસિંહ ઉર્ફે પવન ઉર્ફે રવી માનસિંહ સિસોદીયાની સંડોવણી સામે આવતાં પોલીસે તેને વોન્ટેડ જાહેર કરાયો હતો. આ સિવાય જે અજ્ઞાત ઇસમે આ મુદ્દામાલ મંગાવ્યો હતો, તેનું નામ-ઠામ મેળવી તેને પણ વોન્ટેડ જાહેર કરી પકડવાના ચક્રો ગતિમાન કરાયા હતા. પોલીસે દારૂ તેમજ કાર મળી કુલ રૂા.8.37 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Kachchh News : આડેસરમાં હોટેલનું ગેરકાયદે બાંધકામ તોડી પડાયું, હવે આ જમીન પર નવું પોલીસ સ્ટેશન બનશે









