બોડેલી તાલુકાના કોસિન્દ્રા મુકામે બાપુશ્રી ભારતસિંહ સોલંકી સેવા ઉદ્યાન ખાતે છોટાઉદેપુર જિલ્લામાં પ્રથમવાર અભિમન્યુ શસ્ત્ર કલા દ્વારા રાજપૂત સમાજના યુવાનો અને યુવતીઓ માટે પાંચ દિવસીય નિઃશુલ્ક તલવારબાજી કેમ્પનું આયોજન કરાયું હતું. જેમાં ક્ષત્રિય સમાજનાં 42 ગામોમાંથી 150 જેટલા યુવાનો અને યુવતીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. પાંચ દિવસમાં દરરોજ 4 કલાકના તલવારબાજીની વિવિધ તરકીબો અને કૌશલ્યોની તાલીમ અપાઇ હતી. જેનો મુખ્ય હેતુ નવી પેઢીમાં જૂની પરંપરા અને સંસ્કૃતિનું જતન થાય, યુવાનો અને યુવતીઓ સ્વરક્ષણ માટે સક્ષમ બને તેમજ સમાજમાં એકતા અને સંગઠનની ભાવના વધુ મજબૂત બને તેવો હતો. કેમ્પની પૂર્ણાહુતિ નિમિત્તે ભવ્ય સમાપન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં રાજપૂત સમાજના વડીલો, આગેવાનો અને મોટી સંખ્યામાં સમાજના લોકો ઉપસ્થિત રહ્યાં હતા. આ પ્રસંગે તાલીમાર્થી યુવાનો અને યુવતીઓએ તલવારબાજીની વિવિધ કલાઓનું પ્રદર્શન કરી ઉપસ્થિત મહેમાનોને મંત્રમુગ્ધ કર્યા હતા. કાર્યક્રમમાં અભિમન્યુ શસ્ત્ર કલાના સ્થાપક રવિન્દ્રસિંહ રાઠોડ સહિત તેમની ટીમ ઉપસ્થિત રહી હતી. ઉપરાંત અભિમન્યુ શસ્ત્ર કલા દ્વારા છોટાઉદેપુર જિલ્લાના ટ્રેનરોને મેડલ અને ટ્રોફી આપી સન્માનિત કરાયા હતા.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો