પંચમહાલ જિલ્લાના ચેરાપુંજી ગણાતાં જાંબુઘોડા પંથકમાં ગુરુવારે સવારે મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરતાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. માત્ર ત્રણ કલાકમાં 70 એમએમ એટલે કે ત્રણ ઈંચ જેટલો વરસાદ વરસી પડયો હતો, લાંબા વિરામ બાદ થયેલા વરસાદથી ખેડૂતો સહિત નગરજનોમાં આનંદની લાગણી વ્યાપી ગઈ હતી.
ધોધમાર વરસાદને પગલે જાંબુઘોડા નગર તેમજ આસપાસના ગામોના માર્ગો પર વરસાદી પાણી ફરી વળ્યા હતા. ગ્રામ્ય વિસ્તારોમાં ખેતરોના ચારડા પાણીથી છલકાઈ ગયા હતા, જ્યારે નદી-નાળા અને કોતરોમાં નવા નીર ની આવક થતાં સમગ્ર પ્રકૃતિ હરિયાળી થી ઝળહળી ઉઠી હતી. તથા નગરના વેપારીઓમાં પણ આનંદ જોવા મળ્યો હતો. ચોમાસું નબળું રહેવાની આશંકા વચ્ચે સમયસર વરસેલા વરસાદે ખેડૂતોને મોટી રાહત આપી છે. ડાંગર સહિતના ખરીફ્ પાકને આ વરસાદથી નવજીવન મળ્યું છે. ડાંગરનું ધરું તૈયાર કરીને વરસાદની આતુરતાપૂર્વક રાહ જોઈ રહેલા ખેડૂતો હવે રોપણીની કામગીરી શરૂ કરી શકશે. વરસાદના કારણે જાંબુઘોડાની સૂકી નદી આ સિઝનમાં બીજી વાર બંને કાંઠે વહેતી થઈ હતી. જ્યારે શક્તિપીઠ પાવાગઢ ખાતે ધુમ્મસ, હરિયાળી અને વરસાદના કારણે મનમોહક વાતાવરણ સર્જાયું હતું. વડા તળાવ પણ વરસાદી પાણીથી છલકાતું જોવા મળ્યું, જ્યાં કુદરતી સૌંદર્યના આહલાદક દ્રશ્યો નિહાળવા સ્થાનિકો અને પ્રવાસીઓ ઉમટી પડયા હતા.
