ગુજરાતના જળસંચયના ઈતિહાસમાં એક નવો અધ્યાય લખાઈ રહ્યો છે. છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના રાજવાસણા ગામે રાજ્યનો પ્રથમ રબર ડેમ હવે પૂર્ણતાના અંતિમ ચરણમાં પહોંચી ગયો છે. હેરણ નદી પર આશરે રૂા.80 કરોડના ખર્ચે નિર્માણ પામેલો આ અત્યાધુનિક ડેમ દક્ષિણ કોરિયાની આધુનિક રબર બ્લેડર ટેકનોલોજીથી સજ્જ છે. રાજવાસણા રબર ડેમ દ્વારા આસપાસના વિસ્તારોમાં પીવાના તથા સિંચાઈના પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ લાવશે. દક્ષિણ કોરિયાથી મંગાવેલા સ્પેશિયલ રબર બ્લેડરમાં માત્ર 30 મિનિટમાં હવા ભરી શકાય છે અને બહાર કાઢી શકાય છે. ડેમની કુલ લંબાઈ લગભગ 220 મીટર છે. જેમાં 180 મીટરના ભાગમાં 60 મીટરના અંતરે 3 સ્પાનમાં રબર બ્લેડર લગાડાયા છે. ખેડૂતો હવે વર્ષમાં બે કે ત્રણ પાક લઈ શકશે. પશુપાલનને મોટો વેગ મળશે. આ રબર ડેમમાં સાડા ત્રણ મીટર પાણીનું સ્ટોરેજ થશે. એ સિવાયનું પાણી ઓટોમેટિકલી સેન્સરની મદદથી વહી જશે. સેન્સર પ્રક્રિયા તેમજ ઓપરેટરો દ્વારા પણ માત્ર 30 મિનિટમાં હવાનું લેવલ ઓછું વધતું કરી સ્ટોરેજની જાળવણી કરી શકાશે. જેને લઇને પાણીનો બચાવ સાથે તેના ઉપયોગના માર્ગ ખુલી જશે.

Surat એરપોર્ટ પર ફ્લાઇટના લેન્ડિંગ સમયે મોટી સુરક્ષા ચૂક, ઇન્ડિગો પ્લેન પર ફેંકાઈ ગ્રીન લેઝર લાઈટ, પાયલટની આંખો અંજાઈ ગઈ









