કાલોલ તાલુકાના ખંડોળી ગિરધરપુરીથી ડેસર તાલુકાના પાન્ડુ તરફ્ જતા માર્ગ પર કોઈ ઓવરલોડ અથવા ખુલ્લેઆમ મેટલ ભરીને પસાર થતા વાહનમાંથી મોટા પ્રમાણમાં મેટલ રોડ પર વેરાઈ જતાં વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ માર્ગ પર આવેલા સેવાલીયા-ઉદલપુરની ક્વોરીઓમાં ચોવીસ કલાક ખનીજ ભરેલા વાહનો ધમધમી રહ્યા હોય જે મધ્યે મંગળવારે કોઈ વાહન ચાલકે ઓવરલોડ અથવા ખુલ્લેઆમ મેટલ ભરીને પસાર થતા વાહનમાંથી મોટા પ્રમાણમાં મેટલ રોડ પર વેરાઈ જતાં રોડ પર મોટા પથ્થરો અને મેટલનો ખડકલો વેરાયેલી હાલતમાં જોવા મળી છે, એક અંદાજે અડધા કિલોમીટર સુધી રસ્તા પર વેરાયેલા પથ્થરો અને મેટલને કારણે દ્વિચક્રી તેમજ અન્ય વાહનચાલકોને સ્લિપ થવા કે પટકાવાની ભીતિ સેવી રહ્યા છે. સમગ્ર ઘટના અંગે સ્થાનિકો અને રાહદારીઓમાં એવી દહેશત વ્યક્ત થઈ રહી છે કે તંત્રની કોઈ શેહશરમ રાખ્યા વિના ખુલ્લેઆમ દોડતાં ઓવરલોડ વાહનોમાંથી આ મેટલ ખરી પડયા હોઈ શકે છે અથવા તો બેફામપણે પુરઝડપે અને ગફ્લતભરી રીતે હંકારી જવાનું પણ કારસ્તાન હોઈ શકે છે. જેને કારણે બેફામ અને નિયમો નેવે મૂકીને કે તંત્રની શેહ શરમ રાખ્યા વિના પુરઝડપે દોડતા ઓવરલોડ વાહનો સામે સંબંધિત તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે.
