કોઠંબા : મહીસાગર જિલ્લાના કોઠંબા તાલુકામાં ગઈકાલે રાતથી સાર્વત્રિક ચાર ઇંચ જેટલો ધોધમાર વરસાદ પડતા જનજીવન પ્રભાવિત થયું છે. સતત પડેલા વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા અને મુખ્ય માર્ગો બંધ થઈ ગયા.કોઠંબા થી રાઘવના મુવાડા વાયા સિધ્ધેશ્વર મહાદેવ રોડ ઉપર ભારે પાણીના કારણે બંધ કરી દેવામાં આવ્યો છે. કોઠંબા થી લાડવેલ તરફ્ જવાનો રોડ પણ વરસાદી પાણીમાં ગરકાવ થઈ ગયો છે. જેના કારણે અનેક વાહનચાલકો વચ્ચે ફ્સાઈ ગયા હતા. લાડવેલ રોડ પર પાણીમાં ફ્સાયેલી એક ગાડીને બહાર કાઢવા માટે કોઠંબા પોલીસ સ્ટે.ના પીએસઆઇ ડી.બી.બિહોલા અને તેમની ટીમે તાત્કાલિક દોડી જઈને સ્થાનિકોની મદદથી ટ્રેક્ટર દ્વારા સહિત સલામત બહાર કાઢવામાં આવ્યા હતા. પોલીસની આ કામગીરીના લોકોએ વખાણ કર્યા. સ્થાનિકોનો આક્ષેપ છે કે કોઠંબા-લાડવેલ રોડ પર દર વર્ષે ચોમાસામાં આ જ રીતે પાણી ભરાઈ જાય છે. રોડની બંને બાજુએ પાણીનાનિકાલ માટે યોગ્ય વ્યવસ્થા ન હોવાના કારણે થોડા વરસાદમાં જ રોડ બંધ થઈ જાય છે. તેમ છતાં રોડ અને બાંધકામ તંત્ર આ બાબતે નિષ્ક્રિય બન્યું છે.વહીવટી તંત્રને તાત્કાલિક આ રોડ પર પાણી નિકાલની કાયમી વ્યવસ્થા કરવા અને વૈકલ્પિક રસ્તાનીવ્યવસ્થા ગોઠવવાની માંગ ઉઠી છે.
